Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઘણાં કરદાતા નગરજનો એકમેક સાથેની ચર્ચાઓમાં પ્રશ્ન કરતાં હોય છે કે, મહાનગરપાલિકામાં આટલાં બધાં અધિકારીઓ અને ઈજનેરો તથા કર્મચારીઓ છે, એ બધાં આખો દિવસ કરે છે શું ? કયાંય તેમની કામગીરીઓના દર્શન તો થતાં નથી ! અને, કોર્પોરેશનમાં આ બધાં ‘બાબુઓ’ નિયમિત આવે છે ખરા ?
નગરજનોની આ ચિંતાઓને સમજીને જામનગર મહાનગરપાલિકાએ એક એપ ‘ઓફિસર્સ 311’ વિકસાવી જેમાં અધિકારીઓની હાજરી તથા કામગીરીઓ વગેરે બાબતો રેકર્ડ પર આવે, રોજ અપડેટેડ રહે. પરંતુ આ તો અધિકારીઓ છે, ટેકનોલોજિને પણ જવાબ ન આપે ! હાલમાં આ એપનું ‘રામ બોલો ભાઈ રામ’ થઈ ગયું હોય- એવો ઘાટ છે.
આ એપનો હેતુ સારો છે. અધિકારીઓની હાજરી જાણી શકાય. તેઓ ફીલ્ડ પર અને ઓફિસોમાં શું કામગીરીઓ કરે છે, કામગીરીઓના રિપોર્ટ કેવી રીતે તૈયાર કરે છે, નાગરિક સેવાઓ અને સુવિધાઓ સંબંધે ફરિયાદો અને નિકાલની સ્થિતિઓ શું છે ? વગેરે બાબતોની અપડેટેડ જાણકારીઓ આ એપ પરથી મળી રહે.
જો કે અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર મહાનગરપાલિકાની એકાદ બે શાખાને બાદ કરતાં બાકીના વિભાગો જાણે કે આ એપ બાબતે કશું જ જાણતાં ન હોય, એવી સ્થિતિઓ છે ! આ એપ ‘ઘા’ ખાય છે, અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની રીતે ‘મસ્ત’ છે.
અધિકારીઓ અને કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવેલી આ એપમાં ફરિયાદ નિવારણ મોડયુલ, ફીલ્ડ ઈન્સ્પેક્શન, પ્રોજેક્ટ મોનિટરીંગ, GPS બેઝડ્ હાજરી સિસ્ટમ, M-ચલણ, ન્યુસન્સ ફી, દંડ અને પેનલ્ટી ઓનલાઈન વસૂલાત તથા શહેરમાં કચરાના મહત્વપૂર્ણ પોઈન્ટનું ઈન્સ્પેક્શન જેવી કેટલીયે અગત્યની બાબતોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમ માનવામાં આવે છે કે, ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓને આ ટેકનોલોજિમાં ‘ટપો’ પડતો નથી અને ઘણાં એવા છે જેમને આ એપનો ઉપયોગ કરવામાં જુદાજુદા કારણોસર રસ નથી ! આથી ખરેખર તો આ એપનો કોર્પોરેશનમાં ઉપયોગ થવો જોઈએ નહીંતર તો આ પણ નાણાંનો વ્યય ગણી શકાય. આ એપની જાહેરાત પણ મહાનગરપાલિકાના પદાધિકારીએ પોતાની સ્ટાઈલ મુજબ, મોટા ઉપાડે કરી હતી. પછી ? પછી એપ વિષે ભોજિયોભાઈ જાણે એવી હાલત.
























































