Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં એટીએમ તોડી તેમાંથી ચોરી કરવાના બનાવો હમણા હમણાં બીજી વખત સામે આવ્યો છે, રાજકોટ નજીક લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એટીએમમાં ચોરીના પ્રયાસ સાથે ઘુસેલા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. તેની પાસેથી એટીએમ તોડવાના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા.
લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એટીએમ મશીન રુમમાં કોઇ શખ્સ ધુસી શટર બંધ કરી એટીએમ તોડતો હોવાની એટીએમનું સીસીટીવી મોનીટરીંગ કરતી એસ.બી.આઇ.ની હૈદરાબાદ શાખાને જાણ થઇ હતી અને ગણતરીની મિનિટમાં ચોર રંગે હાથ ઝડપાઇ ગયો હતો.એટીએમ સેન્ટરમાં ચોર આવતા અને એટીએમ તોડવાનો પ્રયાસ કરતા હૈદરાબાદમાં એલાર્મ વાગ્યું હતું. જે અંગે રાજકોટ રુરલ પોલીસના કંટ્રોલ રુમને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એટીએમ મશીન તોડતા મુળ રાજસ્થાની અને હાલ રાજકોટમાં રહેતા ધનંજય ઉર્ફે મહેશ નિરંજન ઉર્ફે રવજી હીરાલાલ શર્માને ઝડપી લીધો હતો. પોલીસે શખ્સ પાસેથી ગ્રાઇન્ડ પકડ, ડીસમીસ, ઇલેક્ટ્રીક વાયર કટર અને ગ્રાઇન્ડરની 10 ચક્રી સહીતના હથિયારો કબજે કર્યા હતા.


























































