Mysamachar.in-જામનગર:
‘બ્રાસ સિટી’ તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રમાં જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આયોજિત ‘ટેક ફેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ ફેર-૨૦૨૬’નો શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરના ઉદ્યોગ જગત માટે ગૌરવરૂપ આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી
જામનગરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આયોજિત આ મેગા ફેરના ઉદ્ઘાટન સમારોહમાં રાજકીય નેતાઓ, ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને નવી આશાઓથી છવાઈ ગયું હતું.આ મેગા ઈવેન્ટનો વિધિવત પ્રારંભ શ્રી પ નવતનપુરીધામ ખીજડા મંદિર ટ્રસ્ટના મહંત અને પૂજ્ય આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યો હતો, જે જામનગરના ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન બની રહ્યું. રીબીન કટિંગ બાદ પૂજ્ય મહારાજશ્રી અને અન્ય મહાનુભાવોએ પ્રદર્શનમાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રદર્શિત કરાયેલી અદ્યતન મશીનરી તેમજ પ્રોડક્ટ્સ વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી.
સ્ટોલ ધારકો સાથેના સંવાદ દરમિયાન મહારાજશ્રીએ નવીન ટેકનોલોજી નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ઉદ્યોગકારોને સતત પ્રગતિ કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, આ મુલાકાત દરમિયાન ઉદ્યોગકારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજે તેમના વક્તવ્યમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માર્મિક વાત કરી હતી જે દરેક ઉદ્યોગકાર માટે ચિંતનનો વિષય છે.
તેમણે જણાવ્યું હતું કે, “આપણો દેશ ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે પરંતુ પેકિંગમાં આપણે થોડા નબળા પડીએ છીએ; જો આપણે આપણી પ્રોડક્ટનું પેકિંગ થોડું વધુ આકર્ષક બનાવીએ અને આખી દુનિયામાં જે રીતે ફિનિશિંગ સાથે માલ મોકલવામાં આવે છે તેવું ચોકસાઈભર્યું કામ કરીએ, તો આપણને કોઈ હરાવી ન શકે.” તેમણે જી.આઈ.ડી.સી. એસોસીએશનના આ ‘ટેક ફેસ્ટ’ના આયોજનને બિરદાવતા કહ્યું હતું કે આ એક ખૂબ જ સરાહનીય અને ઉમદા કાર્ય છે, અને તેમના આશીર્વાદ આપતા ઉમેર્યું હતું કે જામનગર ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગળ વધે અને વિશ્વના નકશા પર તેનું નામ રોશન કરે.આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.
પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા પણ હાજર રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ એસોસીએશનની કામગીરીની પ્રશંસા કરી હતી અને જામનગરના લઘુ ઉદ્યોગોને સરકાર અને સંગઠન તરફથી મળતા સહયોગની ખાતરી આપી હતી.ઔદ્યોગિક જગતમાંથી પણ દિગ્ગજ નેતૃત્વની હાજરી નોંધપાત્ર રહી હતી.
























































