Mysamachar.in-સુરત:
કોઈ પણ સરકારી કચેરી હોય, અર્ધ સરકારી કચેરીઓ હોય કે પછી કોર્પોરેશન અથવા જિલ્લાઓની પંચાયતો હોય, સરેરાશ લોકોનો અભિપ્રાય અને અનુભવ એવો છે કે કોઈ પણ કામ હોય, નિયમાનુસારનું કામ હોય કે નિયમ વિરુદ્ધનું- દ્વારપાળને રાજી કર્યા વગર અને દેવની કૃપા હાંસલ કર્યા વિના, કામ પૂર્ણ કરાવવું લોઢાના ચણા ચાવવા બરાબર છે.
આ પ્રકારના સરેરાશ અભિપ્રાય અને અનુભવો ખરાં છે- એમ માનવાનું મન થઈ જાય, એવા સમાચાર સુરતથી સમગ્ર રાજ્યમાં પહોંચી ગયા છે. GSTની કચેરીઓમાં કરદાતાઓએ અધિકારીઓને કયા કામ માટે, કેટલો ભોગ ધરવો પડે છે, તેનું ‘ભાવપત્રક’ સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા વિતરીત કરી દેવામાં આવતાં સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. જામનગરના વેપારીઓ અને ઉદ્યોગકારો સહિતના ધંધાર્થીઓએ અધિકારીઓને કેટલો ‘ભોગ’ ધરવો પડે છે, એના આંકડાઓ પણ, આ ભાવપત્રકમાં છે.
જામનગર GST કચેરીના મુખ્ય મહિલા અધિકારી અગાઉ એવું જાહેર કરી ચૂક્યા છે કે, અમારી કચેરી માત્ર પોસ્ટ કચેરી છે, બધાં જ નિર્ણય જૂનાગઢ કચેરી કરે છે, બધો જ ‘વહીવટ’ ત્યાંથી થાય છે. (જો કે જાણકારોના મતે, આ નિવેદન અર્ધ સત્ય છે). જામનગરના ધંધાર્થીઓને જામનગર ઉપરાંત જૂનાગઢ કચેરીનો પણ અનુભવ છે, જામનગર અને દ્વારકા જિલ્લાઓની GST સંબંધિત કામગીરીઓ અને કાર્યવાહીઓ સંભાળતી જૂનાગઢ કચેરીના ભાવો પણ આ ભાવપત્રકમાં સામેલ છે.
જૂનાગઢ કચેરીના ભાવો આ મુજબ બહાર આવ્યા છે: નવા રજિસ્ટ્રેશન માટે રૂ. 1,000 – રાજકોટમાં રૂ. 1,500. એસેસમેન્ટ પ્રતિ વર્ષ રૂ. 10,000 (જૂનાગઢ અને રાજકોટમાં સરખો ભાવ). રિફંડ મેળવવા જૂનાગઢ કચેરીમાં 2 ટકા આપવા પડે, રાજકોટમાં ભાવ સસ્તો 1 ટકા છે. સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને દરેક શહેરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કરદાતાઓ સાથે વાતચીત કર્યા બાદ આ ભાવપત્રક જાહેર કર્યું છે, એમ આ રિપોર્ટ કહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ 5 ફેબ્રુઆરીએ GST ના રાજ્ય અધિકારીઓ અને સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં એસોસિએશને અધિકારીઓને કેટલીક વિનંતી કરી હતી. બાદમાં, અધિકારીઓએ વિનંતીને ધ્યાનમાં લેવાને બદલે કરદાતાઓને પરેશાન કરવાનું પ્રમાણ વધારી દેતાં, કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન રોષે ભરાયા અને પછી આ ભાવપત્રક સામે આવ્યું. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ તમામ કાર્યવાહીઓ સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા લેખિતમાં થઈ છે, મોઢામોઢની વાતો નથી. હવે રાજ્યના GST કમિશનરે આ બાબતે સ્પષ્ટતાઓ આપવાની રહી.(symbolic image source:google)