Mysamachar.in-જામનગર:
જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એવી ફરિયાદો કેટલીયવાર ઉઠતી જ રહે છે કે, અમારે ત્યાં કોર્પોરેશનના નળમાં આવતું પિવાનું પાણી સારૂં નથી, ડહોળું છે, તેમાં ગટરનું પાણી ભળી ગયું હોય એવી તીવ્ર ગંધ મારે છે. આવી ફરિયાદો કોર્પોરેશનમાં તમામ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચે છે ! શાસકો પણ આ વાત જાણે છે !
ઉઘાડી હકીકત એ છે કે, શહેરમાં એવા અસંખ્ય વિસ્તારો છે જ્યાં પિવાના પાણીની પાઈપલાઈન વર્ષો જૂની છે, કોર્પોરેશને બદલાવી નથી, આમાંથી ઘણી લાઈન લીકેજ છે. ઘણી જમીનમાં અંદર તૂટેલી છે. ઘણી લાઈનમાં ઓછાવધતાં પ્રમાણમાં ગટરના પાણી ભળે છે. ઘણાં લોકો પાણીજન્ય રોગોને કારણે બિમાર પડતાં રહે છે, જીજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોએ લોકોના ‘મેળા’ જોવા મળે છે, એની પાછળની હકીકતો શું છે, તેની તપાસ થવી જોઈએ
પાટનગર ગાંધીનગરમાં પિવાનું દૂષિત પાણી અને ટાઈફોઈડના સેંકડો કેસ દાખલ અને છેક કેન્દ્રીય ગૃહમંત્રી(આ વિસ્તારના સાંસદ) કક્ષાએથી ‘બધું જોઈ લ્યો’ એ મતલબની સૂચનાઓ આપવી પડી- એ બાબત ‘સમાચાર’ બની ત્યાં સુધી ગાંધીનગર સહિત આખા રાજ્યમાં બધી મહાનગરપાલિકાઓ આ બાબતે શું કરી રહી હતી ? હવે છેક ‘મેરેથોન’ દૌડ શરૂ થઈ. અને, મિટીંગોનો ધમધમાટ !
જામનગરમાં ગોકુલનગર, પટેલ કોલોની અને સત્યમ કોલોની જેવા અમુક વિસ્તારોમાં જ દૂષિત પિવાના પાણીની સમસ્યાઓ નથી. ખુદ મહાનગરપાલિકાએ અમુક તમુક વિસ્તારોના કરદાતા નગરજનોને એવી સૂચનાઓ આપવી પડે છે કે, પાણી આવવાનું શરૂ થાય ત્યારે, અમુક મિનિટ સુધી આ પિવાનું પાણી ગટરમાં જવા દો ! અહીં પ્રશ્ન એ પણ થઈ શકે કે, કરોડોના ખર્ચ પછી નગરજનો સુધી પિવાનું પાણી પહોંચે, તે પાણીથી ગટરો સાફ કરવાની છે ?! અને, મહાનગરપાલિકા પાણી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે- તેનો મતલબ શું ??
અન્ય એક મુદ્દો: મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના મિકેનિકને, વાલ્વમેનને અધિકારીઓ માર્ગદર્શન નથી આપતાં ? વાલ્વ બદલવાથી ગટરનું પાણી પિવાના પાણીમાં વધારે ભળે, તેનું કારણ શું ? વોટર વર્કસ વિભાગે સઘન અભ્યાસ અને તપાસ કરી, શાસકોને સ્પષ્ટ કહી દેવું જોઈએ કે, શહેરમાં કુલ આટલાં સ્થળે પાણીની લાઇનો બદલાવવી પડશે, એમાં ચાલશે જ નહીં. અને શાસકો શહેરની આ સ્થિતિઓથી અજાણ છે, એમ પણ કેમ માની લેવું ??

























































