Mysamachar.in-સુરત:
જેમ ગુજરાતમાં દારૂનું દુષણ છે તેમ દેહવ્યાપાર પણ એવું જ એક દુષણ છે, રાજ્યમાં ઠેર ઠેર કૂટણખાનાઓ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ધમધમી રહ્યા છે, એવામાં આવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી પરથી પોલીસે છાપેમારી કરી અને 7 મહિલાઓને મુક્ત કરાવી છે જયારે ત્રણ ગ્રાહકો અને એક સંચાલક સહીત ચારને ઝડપી પાડ્યા છે, આ અંગે જે માહિતી મળી રહી છે તે મુજબ..
સુરતમાં યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી. ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગીચોકમાં આવેલી શુભમ રેસીડેન્સીમાં દુકાનની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસની ટીમે બાતમીના આધારે યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન નં.110 અને 111માં રેડ કરી હતી. રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક બિશ્વારૂપ બારૂન દેય (ઉં.વ.28, રહે., મચ્છી માર્કેટ પાસે, નાનપુરાસ સુરત. મૂળ પશ્ચિમ બંગાળ) અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી.
પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર તથા 36,500ના 4 મોબાઈલ ફોન, તેમજ લાઈટ બીલ મળી કુલ 50,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા હતાં. જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુકત કરાવી અને ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.