Mysamachar.in-જામનગર:
પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે લોકો ટાઈફોઈડ તાવનો ભોગ બની રહ્યા હોય, તંત્રનું ‘પાણી’ એક તરફ મપાઈ ગયું અને બીજી તરફ સરકારના પગ ‘પાણી પાણી’ થઈ રહ્યા છે. આ વિસ્તાર કેન્દ્રીય ગૃહમંત્રીનો સંસદીય મત વિસ્તાર છે. દરમ્યાન, ડેમેજ કંટ્રોલ માટે સરકારે બધાં જ મહાનગરોમાં સંબંધિતોને કડક સૂચનાઓ પાઠવી દીધી હોય એમ, સ્થાનિક તંત્રોએ શિયાળુ કસરતો શરૂ કરી દીધી છે. જામનગરમાં પણ બોટલ અને જગમાં વેચાણ થતાં લૂઝ પાણી પર તંત્રની નજર સ્થિર થઈ છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, ગત્ બુધવારે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના બેડી બેડેશ્વર વિસ્તારની મુલાકાત લીધી. અહીં બરફના કારખાના ચેક કરવામાં આવ્યા. અને, જે ધંધાર્થીઓ બોટલ અને જગમાં ભરી લૂઝ પાણી વેચાણ કરી રહ્યા છે એમના ધંધાના સ્થળે પહોંચી તંત્રએ જોયું કે પાણી નબળું તો નથી ને ? દરમ્યાન, તંત્રને એમ લાગ્યું કે, આ પાણીના સેમ્પલ ચેક તો કરવા જ પડશે. કદાચ, આમાં રોગ ફેલાવતા બેકટેરિયા હોય તો ?! આથી અડધો ડઝન સેમ્પલ લઈ લેબોરેટરીમાં વૈજ્ઞાનિક પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ વર્ષે શહેરના વોર્ડ નંબર 12માં કોલેરાના રોગે દેખા દીધી હતી. તેથી શક્ય છે, આગામી દિવસોમાં તંત્ર આ વિસ્તારોમાં પણ પહોંચી જાય. લૂઝ પાણીમાંના અમુક બેકટેરિયા માણસને બિમારીઓ આપી શકે છે.
જો કે, આ આખી કવાયતમાં એક મુદ્દો એ પણ નોંધપાત્ર છે કે, તંત્ર દ્વારા આવી જગ્યાઓ પરથી જે સેમ્પલ લેવામાં આવે તેના રિપોર્ટ આઠ દિવસ બાદ આવતાં હોય છે. અને આ દિવસો દરમ્યાન આ પ્રકારના પ્લાન્ટને તંત્ર તાળું લગાવવાનું તો કહી ન શકે. આથી ધારો કે કોઈ સેમ્પલનો રિપોર્ટ આઠેક દિવસ બાદ નેગેટિવ જાહેર થાય, એવા કેસમાં આ પ્લાન્ટમાંથી આઠ દિવસ દરમ્યાન હજારો લિટર ‘નબળાં’ પાણીનું વેચાણ થઈ ગયું હોય અને આ અયોગ્ય પાણી નગરજનોના આંતરડામાં થઈ એમના લોહીમાં પણ ભળી ગયું હોય. આ ઉપાધિઓનો હાલ કોઈ ઉપાય નથી, કારણ કે જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ જાહેર ન થાય ત્યાં સુધી તંત્ર આ પ્લાન્ટ વિરુદ્ધ એકશન લઈ શકે નહીં, એમ સરકારનો નિયમ કહે છે.





















































