Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના પોલીસદળમાં લાંબા સમયથી હજારો જગ્યાઓ ખાલી છે અને આ સંબંધે રાજ્યની વડી અદાલત ખુદ, સરકારને એક કરતાં વધુ વખત કડક શબ્દો કહી ચૂકી છે. હવે એ નિશ્ચિત થઈ ગયું કે, હવે પોલીસદળમાં ખાલી જગ્યાઓ પર ભરતીઓ થશે. નાયબ મુખ્યપ્રધાન અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરમાં કહી દીધું કે, આ જ મહીનામાં એટલે કે નવેમ્બરમાં જ પોલીસ ભરતીઓ અંગેની જાહેરાત કરી દેવામાં આવશે. પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગોમાં પસંદગીઓ પામેલા 4,473 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા.
આ તકે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, પોલીસ વિભાગમાં કુલ 14,507 જગ્યાઓ પર ભરતીઓ થશે. જેમાં લોકરક્ષક કેડરની જગ્યાઓ 13,591 છે અને બાકીની 916 જગ્યાઓ ટેક્નિકલ કર્મચારીઓની છે. આ તકે તેમણે નવ નિયુક્ત અધિકારીઓ અને કર્મચારીઓને કહ્યું કે, હવે તમે સૌ ફરિયાદી/અરજદારોના સહાયક બની ગયા છો. પરંતુ ‘સાહેબ’ શબ્દથી દૂર રહેજો. આપણે ‘સાહેબ’ શબ્દ સાંભળવા મહેનત નથી કરતાં. મારો અનુભવ શેયર કરૂં છું. ‘સાહેબ’ શબ્દથી કયારેય ભરમાતા નહીં અને પગ નીચેની જમીનને કયારેય ભૂલતાં નહીં.
આ તકે હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, એપ્રિલથી અત્યાર સુધીમાં GPSCએ 101 પરીક્ષાઓ યોજી રેકર્ડ બનાવ્યો છે. નિયુક્તિ પામેલા સૌ અધિકારીઓ અને કર્મચારીઓ સારામાં સારી કામગીરીઓ કરે એવી અપેક્ષાઓ અને સારૂં કામ કરતી વખતે તમારાં વિરોધીઓ ઉભા થશે પરંતુ એમને ગણકારશો નહીં, સારી કામગીરીઓ કરવાનું ચાલુ રાખજો.


