Mysamachar.in-સુરત:
દેશના અર્થતંત્રને ખોખલું કરનાર તત્વો પર સુરત પોલીસે તવાઈ બોલાવી છે કાપડની ઓફીસની આડમાં રૂપિયા 100 ના દરની નકલી નોટો છાપવામાં આવી રહી હોવાની માહિતી પરથી પોલીસે આ ઓફિસમાં દરોડો પાડી 1 લાખ જેટલી નકલી નોટ અને નોટો છાપવાના સાહિત્ય સહિતની ચીજવસ્તુઓ સાથે ૩ ઇસમોને ઝડપી પાડ્યા છે
આ અંગે જાહેર થયેલ વિગતો એવી છે સુરત શહેર એસઓજીને બાતમી મળી હતી કે, સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. જે આધારે આજે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 406 નંબરમાં ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા જ્યાં ઓફિસમાંથી ત્રણ જેટલા ઈસમો મળી આવ્યા હતા.
એસઓજી દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કોમ્પ્યુટર, પ્રિન્ટર, એક લાખની નકલી નોટો સાથે ત્રણ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી.
પોલીસ દ્વારા હાલ તો આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે, આ નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવા અનેક મુદ્દાઓ પર પોલીસ ઝીણવટભરી રીતે તપાસ કરી રહી છે.