Mysamachar.in-અમદાવાદ:
આગ સાથે રમત થઈ રહી છે ! આ ‘રમત’ નાગરિકની જિંદગીઓ સાથે થઈ રહી છે. ગુજરાતમાં આગ સંબંધિત અસંખ્ય દુર્ઘટનાઓ સર્જાઈ ગયા બાદ પણ સરકાર આ બાબતે ગંભીર બની નથી. આ અફસોસજનક હકીકત વડી અદાલતમાં વધુ એક વખત ‘જાહેર’ થઈ ગઈ. સરકારે વધુ એક વખત આ મામલે વડી અદાલતનો ‘તાપ’ સહન કરવો પડ્યો છે. જે સરકારની કામ કરવાની પદ્ધતિની ખામીઓ ઉજાગર કરે છે.
ગઈકાલે શુક્રવારે રાજ્યની વડી અદાલતમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સંબંધે કાર્યવાહીઓ થઈ. આ સમયે આગ સંબંધે સરકારને વધુ એક વખત અદાલતની નારાજગીઓ સાંભળવી પડી. અદાલતે સંયમિત ભાષામાં સરકારની ચામડી ઉતરડી લીધી. સરકાર અદાલતમાં બચાવની હાલતમાં મૂકાઈ ગઈ. તેનો અર્થ એમ પણ થઈ શકે કે, નેતાઓ ગંભીર નથી અને ઉચ્ચ અધિકારીઓ માત્ર ફાંકા ફોજદારી કરી રહ્યા છે !
સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીનો મુદ્દો આજે પણ સળગી રહ્યો છે. ફાયર NOC બાબતે પણ ‘બાબાગાડી’ ચાલી રહી છે. આથી, વડી અદાલતમાં જાહેર હિતની અરજી થઈ છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ‘આગ’ પણ હજુ ઠરી નથી. જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન વડી અદાલતે સરકારને અનેક વેધક સવાલો કર્યા.
વડી અદાલતે સરકારને ત્યાં સુધી કહ્યું કે, ફાયર સર્વિસ સંબંધે જેટલાં પણ સવાલો તમને (સરકારને) પૂછવામાં આવ્યા છે, તે તમામના જવાબો આપો. લેખિત જવાબો આપો. વડી અદાલતની બેન્ચે સરકારને એમ પણ પૂછી લીધું કે, સમગ્ર રાજ્યમાં મહાનગરો, નગરપાલિકાઓ અને સરકારમાં ફાયર સેફટી એક્ટના અમલ માટે, સલામતી માટે જવાબદાર કોણ છે ? ફાયર સર્વિસનો મુખ્ય વહીવટદાર કોણ છે ?
અદાલતે એમ પણ પૂછ્યું કે, ફાયર સેફટી સ્ટાન્ડર્ડના નિયમોના અમલની જવાબદારીઓ કોની છે ? બેદરકારીઓ બદલ જવાબદાર કોણ ગણાશે ? (દુર્ઘટનાઓ સમયની જવાબદારીઓ હજુ ફીક્સ કરવામાં નથી આવી ?!) આ મામલાની વધુ સુનાવણી 19મી ડિસેમ્બરે છે.
વડી અદાલતે સુનાવણી દરમ્યાન એક તબક્કે એમ પણ કહ્યું કે, રાજ્યના ગૃહવિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને પોલીસ મીટિંગ કરે છે, પરંતુ કોઈ કામગીરીઓ થતી હોય એ દેખાતું નથી. જ્યારે અહીં સુનાવણીઓ ચાલુ થાય ત્યારે સરકાર કામગીરીઓ ચાલુ કરે અને પછી કામગીરીઓ બંધ કરી દે છે.





