Mysamachar.in:ગુજરાત
કરોડો મોબાઇલધારકો વણજોઈતા મેસેજ-કોલથી પરેશાન છે. ઘણાં લોકો કોઈ મહત્વનાં કામ કે મિટિંગમાં વ્યસ્ત હોય છે ત્યારે પણ આ પ્રકારના મેસેજ-કોલ બિન બુલાયે મહેમાન તરીકે ટપકી પડતાં હોય છે જેને કારણે પરેશાનીઓ અનુભવવી પડતી હોય છે. પરંતુ હવે ટેલિકોમ નિયંત્રક સંસ્થા TRAI એ મોબાઇલધારકો માટે એક સારો નિર્ણય લીધો છે. TRAI એ જાહેરાત કરી છે કે, ટેલિ માર્કેટિંગ કંપનીઓ 10 આંકડાના નોર્મલ મોબાઈલ નંબર પરથી મોબાઈલધારકોને મેસેજ-કોલ મોકલી શકશે નહીં. આ પ્રકારની કંપનીઓએ આગામી 30 દિવસની અંદર આ રીતે મેસેજ-કોલ મોકલવાનું બંધ કરવું પડશે. જો કંપનીઓ આ સૂચનાનું પાલન નહીં કરે તો આવી કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
TRAIએ વધુમાં જણાવ્યું છે કે, જે પ્રચાર કંપનીઓ અનરજિસ્ટર્ડ નંબર પરથી મોબાઈલધારકોને મેસેજ-કોલ મોકલશે તે કંપનીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ટેલિ માર્કેટિંગ કંપનીઓને ટ્રાઈ દ્વારા પ્રચાર માટે અલગ પ્રકારના નંબર ફાળવવામાં આવે છે. જેથી મોબાઇલધારકો સામાન્ય મેસેજ-કોલ અને પ્રમોશનલ મેસેજ-કોલ વચ્ચેનો ભેદ જાણી શકે છે. આમ છતાં જો કે કેટલીક ટેલિ માર્કેટિંગ કંપનીઓ દસ આંકડાના નોર્મલ મોબાઈલ નંબર પરથી મોબાઈલધારકોને મેસેજ-કોલ મોકલી રહી છે જેથી ટ્રાઈ સમક્ષ આવી ટેલિ માર્કેટિંગ કંપનીઓ વિરુદ્ધ હજારો ફરિયાદો થઈ રહી છે. તેથી ટ્રાઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાઈ તરફથી આ પ્રકારની ટેલિ માર્કેટિંગ કંપનીઓને નોટિસ મોકલાવી આપવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, આગામી ત્રીસ દિવસની અંદર નોર્મલ નંબર પરથી, અનરજિસ્ટર્ડ નંબર પરથી મોબાઈલધારકોને મેસેજ-કોલ મોકલવાનું કંપનીઓએ બંધ કરવાનું રહેશે. જે ટેલિ માર્કેટિંગ કંપનીઓ આ નોટિસનુ ઉલ્લંઘન કરતી માલૂમ પડશે તે કંપનીઓ વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવશે એમ ટ્રાઈએ નોટિસમાં જણાવ્યું હોય, આગામી દિવસોમાં મોબાઇલધારકોને આ પ્રકારના વણજોઈતા મેસેજ-કોલથી છૂટકારો મળશે, એમ સમજાઈ રહ્યું છે. જો કે ટ્રાઈ પોતાના આ નિર્ણયનો અમલ કેટલી કડકાઈથી કરે છે, તેનાં પર આધાર છે.