Mysamachar.in-સુરત:
આગ એક એવી બાબત છે, જે કોઈની સાડીબાર રાખતી નથી. અને, આગની ઘટનાઓ વારંવાર બનવા છતાં તેમજ અદાલતો તરફથી અવારનવાર કાનૂની ફડાકાઓ છતાં, દર વખતે આગની ઘટનાઓમાં સ્થાનિક તંત્રોની બેદરકારીઓ અને ભ્રષ્ટાચાર ઉઘાડાં પડતાં રહે છે. આ પ્રકારનો વધુ એક બનાવ સુરતમાં બન્યો. જેમાં પણ માનવ જિંદગીઓ ભડથું બની અને તંત્રના કપડાં વધુ એક વખત ઉતરી ગયા છે, તંત્ર આબરૂ ઢાંકવા પ્રયાસ કરી રહ્યું છે.
સુરતના સીટીલાઈટ વિસ્તારમાં ગૃહરાજ્યમંત્રીની ઓફિસ સામેના ભાગમાં શિવપૂજા નામનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. અહીં મોલ પણ છે. આ ઈમારતના ચોથા માળે એક જિમ છે, આ જિમમાંથી એક સ્પામાં જવાનો રસ્તો છે. કાલે ગુરૂવારે રાત્રે જિમમાં રજા હતી. સ્પા ચાલુ હતું. સ્પામાં લોકોની અવરજવર હતી. આ સ્પા ઘણાં સમયથી ગેરકાયદેસર ધમધમી રહ્યું છે.
આ સ્પામાં ગત્ રાત્રે આગ ફાટી નીકળી. સ્પા માં રહેલાં લોકોમાં નાસભાગ મચી ગઈ. બે યુવતિઓ બચવા ટોઈલેટ બ્લોકમાં જતી રહી, જ્યાં ગૂંગળાઈ જતાં, મોતને ભેટી. આગ લાગી ગયા બાદ હવે જાહેર થયું કે, NOC માટે આ સ્પાને ફાયર વિભાગ દ્વારા પાંચ પાંચ વખત નોટિસ આપવામાં આવી છે. ( તંત્રએ નોટિસ આપવા સિવાય, કશું જ ન કર્યું, જે બાબત તંત્રનો ગેરકાયદેસર સ્પા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે) અગાઉ કાર્યવાહીઓ કરી, આ સ્પા બંધ કરાવવામાં આવ્યું હોત, તો આ દુર્ઘટના બની જ ન હોત, એ પણ શક્ય છે. એક પ્રશ્નના ઉત્તરમાં ફાયર વિભાગ જણાવે છે કે, આ જિમ તથા સ્પા માલિક પાસે હાલ ફાયર NOC છે કે કેમ, તે અમને ખબર નથી.