Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં શિક્ષકોએ ઘણાં સંગઠનોની રચના કરી છે. ઘણાં શિક્ષકો સંગઠનનો ઉપયોગ વિવિધ રીતે કરી પણ લેતાં હોય છે. આ ઉપરાંત એમ પણ બહાર આવ્યું છે કે, શિક્ષકોના સંગઠનમાં હોદ્દાઓ ધરાવતાં કેટલાંક હોદ્દેદારોને નેતાગીરીમાં એટલો બધો રસ હોય છે કે, તેઓ શાળાઓમાં શિક્ષક તરીકેની પોતાની મુખ્ય અને મૂળ જવાબદારીઓ જ ભૂલી જતાં હોય છે. આ બાબત સરકારના ધ્યાન પર આવી ગઈ છે.
રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગે દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓને એક પત્ર મોકલ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘોના પ્રતિનિધિઓની શાળાઓમાં પાંખી હાજરી અને અનિયમિતતાઓ રાજ્યની અંદાજ સમિતિના ધ્યાનમાં આવી છે. જેના નિવારણ અંગે દરેક જિલ્લામાં ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં શિક્ષકો કે જે શિક્ષણ સંઘોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે, તેવા શિક્ષકોની શાળામાં નિયમિત કામગીરીઓ તેમજ શાળાઓમાં નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા તેમજ જરૂરી સૂચનાઓ આપવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ થયો છે. દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ આ માટેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની રહેશે, તેની અમલવારી કરવાની રહેશે અને આ સંબંધે જિલ્લાકક્ષાએ જે કાર્યવાહીઓ કરવામાં આવી હોય, તેનો રિપોર્ટ ગાંધીનગર કચેરીને મોકલવાનો રહેશે.