Mysamachar.in-જામનગર:
રાજકોટના મવડી રોડ પર, નાના મૌવા રોડ પર અને જામનગરમાં પંડિત નહેરૂ માર્ગ પર જ્વેલર્સના કુલ 3 શો-રૂમ ધરાવતી પેઢી અર્જુન જ્વેલર્સના હેડ કેશિયરે કળા કરી, શો-રૂમના માલિક સાથે રૂ. 1.99 કરોડની છેતરપિંડીઓ કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે, આ ફરિયાદ શો-રૂમ માલિકે દાખલ કરાવી છે. જો કે, આરોપી કેશિયર ઝડપાઈ ગયો છે પરંતુ ‘માલ’ ક્યાં છે ? એ પ્રશ્ન ચર્ચાઓમાં છે.
આ મામલાના આરોપીનું નામ હિતેષ પરમાર છે, જે આણંદ જિલ્લાના બોરસદ ગામનો વતની છે. અને, આ ફરિયાદ દાખલ થયા બાદ તે બોરસદથી ઝડપાયો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ શખ્સ આ પેઢીનો અનુભવી હેડ કેશિયર હતો. અર્જુન જ્વેલર્સના જામનગર શો-રૂમનો નાણાંકીય વહીવટ તે સંભાળતો હતો.
આ શખ્સે જ્વેલર્સ પેઢીના નામે ગ્રાહકોને ખોટી અને અલગઅલગ સ્કીમ સમજાવી, ગ્રાહકો પાસેથી નાણાં પડાવી લીધાં અને પેઢીના નામના બોગસ વાઉચર ગ્રાહકોને પકડાવી દીધાં. આ શખ્સનું રહેણાંક રાજકોટમાં નાના મૌવા રોડ પર સાકેત પાર્કમાં છે. આ શખ્સ ઓગસ્ટ-2022થી આ પેઢી સાથે સંકળાયેલો છે. તેને પેઢીએ અનુભવના આધારે હેડ કેશિયર બનાવી દીધો હતો. 17 જૂલાઈ, 2025થી આ શખ્સ જામનગર શો-રૂમના કેશિયર તરીકેની જવાબદારીઓ સંભાળતો હતો.
આ શખ્સ રાજકોટથી બદલી પામી જામનગર આવ્યો પછી ઈશા સોરઠીયા નામના એક મહિલા રાજકોટ શો-રૂમ ખાતે પહોંચ્યા અને કહ્યું કે, મેં કટકે કટકે હિતેષ પરમારને રૂ. 45.40 લાખ આપ્યા હતાં અને સોનાનું બિસ્કિટ લેવા મેં આ નાણાં આપ્યા હતાં. તેણે મને 600 ગ્રામ સોનું જમા છે એવું ઓર્ડર વાઉચર આપેલું છે.
બાદમાં શો-રૂમ માલિકે પોતાના શો-રૂમના હિસાબો ચેક કર્યા તો ખબર પડી કે, આ ગ્રાહકના કોઈ નાણાં શો-રૂમમાં જમા થયા નથી. હિતેષ પરમારે આ ગ્રાહકને આપેલું વાઉચર બનાવટી છે. ત્યારબાદ ઘણાં ગ્રાહકો આ રીતે શો-રૂમ પર પહોંચતા હિતેષ પરમારની અસલ કુંડળી શો-રૂમ માલિકને ખબર પડી ગઈ. ત્યારબાદ માલિકે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરી, બાદમાં આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જો કે આ શખ્સ ઝડપાઈ ગયા બાદ પણ શો-રૂમનો સગેવગે થયેલો ‘માલ’ ક્યાં છે, એ વિગતો અત્યાર સુધી જાહેર થઈ નથી.(પ્રતિકાત્મક તસ્વીર)





















































