Mysamachar.in-જામનગર
જામનગર પંથકમાં નવરાત્રી પર્વની ઉજવણી ઉપલક્ષ્યમાં એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા યોજાયેલા ડીજીટલ નવરાત્રી સ્પર્ધાની વિજેતાઓનો પુરસ્કાર વિતરણ સમારોહ સોશ્યલ મીડિયાના માધ્યમથી યોજાયો હતો. આ અવસરે સ્વાગત પ્રવચન કરતા એચ.જે.લાલ ટ્રસ્ટના જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે વૈશ્વિક રીતે સંકટ બનેલા કોરોના મહામારીના આ દિવસોએ આપણને આપણા પરંપરાગત ઉત્સવો અને પર્વની ઉજવણી કરવા માટે એક નવો અનુભવ કરાવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહિ તે માટે સમૂહગત રીતે કરવાના બદલે ઉત્સવની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ ઘરે બેઠા જ આપણે ઉત્સાહભેર કરી રહ્યા છીએ.
થોડા દિવસો પહેલા ગણેશ ઉત્સવની ઉજવણી પણ જે રીતે સોશ્યલ મીડિયાના માધ્યમથી ભક્તિભાવ અને ઉમંગ સાથે કરીએ જ રીતે નવરાત્રી પર્વ પ્રસંગે ગરબા-દાંડિયા-દીવડા અને આરતી શણગારની સ્પર્ધાઓ પણ એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સોશ્યલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી. જેના વિજેતાઓને પુરસ્કૃત કરવાનો સમાંરભ પણ આજે શરદ પૂનમના દિવસે ફેસબુક મારફત લાઇવ ટેલીકાસ્ટથી આપણે આયોજીત કર્યો છે.
સંકટના સમયમાં પણ સમાજ જીવનમાં ઉત્સવની ઉજવણી અને પર્વનો આનંદ લઇ શકાય તે માટે એચ.જે લાલ ટ્રસ્ટ ધ્વારા કરાયેલા આ નવતર આયોજનને મોટી સંખ્યામાં ભાગ લઈને સફળ બનાવેલ છે. તે માટે તમામ સ્પર્ધકોની સાથે આ સ્પર્ધાના જુદા-જુદા વિભાગના વિજેતાઓને પણ જીતુભાઈ લાલે અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ આ નવરાત્રી સ્પર્ધામાં ભાગ લેનાર 70 થી 80 વર્ષની વય સુધીના વરિષ્ઠ નાગરીકોનો આ તકે વિશેષ આભાર માન્યો હતો.
એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપનાર ભરતભાઈ કાનાબારે વિજેતાઓના નામની ધોષણા કરી હતી અને સ્પર્ધામાં આવેલી કૃતિઓ અંગે વિશ્લેષણ આપી વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આધ્યશક્તિના ચરણોમાં પ્રાર્થનારૂપે આરતી સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે કરી હતી અને સ્પર્ધાકોએ પોતાની કૃતિ તૈયાર કરવા સમયના મોકલેલા વિડિયોનું જીવંત પ્રસારણ પણ આ વેળાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોએ નિહાળ્યું હતું.
આ નવરાત્રી સ્પર્ધાના તમામ સ્પર્ધકો વિજેતાઓને એકત્રિત કરવાનું પ્રર્વતમાન સમયમાં ઉચિત નહિ હોવાથી એકમાત્ર દિવ્યાંગ સ્પર્ધક ખ્યાતીબેન વિજયભાઈ વોરાને મંચ પર આયોજક સંસ્થા ટ્રસ્ટી જીતુભાઈ લાલ અને ટ્રસ્ટી મિતેષભાઈ લાલના હસ્તે પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અંતમાં આભાર દર્શન કરતાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મિતેષભાઈ લાલે આ પ્રકારના સોશ્યલ મીડિયાના માધ્યમથી યોજાતા સ્પર્ધાત્મક કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ સ્પર્ધકોનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ ટ્રસ્ટ ધ્વારા આયોજીત કાર્યક્રમો અને સામાજીક સેવા પ્રવુતિ કાર્યમાં સૌનો સહકાર સાંપડી રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પત્રકાર ગીરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું આ સ્પર્ધાના તમામ વિજેતાઓને તેમના પુરસ્કાર તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમના સ્મૃતિચિન્હ સ્પર્ધકે પોતાના પ્રવેશ પત્રમાં દર્શાવેલ સરનામાં પર સંસ્થા ધ્વારા પહોંચતા કરવામાં આવશે.