Mysamachar.in-સુરત:
ગુજરાતમાં બનાવટી શાળાઓ અને બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરના બનાવટી ક્લિનિક દર્શાવે છે કે, 2 અતિ સંવેદનશીલ ક્ષેત્રોમાં દાયકાઓથી લાલિયાવાડીઓ ચાલે છે- અમદાવાદ અને સુરતમાં 20-20 વર્ષ સુધી, બોગસ ડોક્ટર બનાવવાની ફેકટરી ધમધમતી રહી ! અને, લાખો લોકોના સ્વાસ્થ્ય અને જિવન સાથે ચેડાં કરતાં તત્વો હવે છેક ઝડપાયા. સુરત DCPએ આ આખા કૌભાંડની વિગતો પત્રકારો સમક્ષ જાહેર કરી.
સુરત DCP વિજયસિંહ ગુર્જરએ, આ કૌભાંડમાં નાણાંના બદલામાં ઉમેદવારોને આપવામાં આવતી બનાવટી ડિગ્રીનું સર્ટિફિકેટ પત્રકારોને દેખાડયું અને કહ્યું કે, 20 વર્ષ દરમિયાન આ પ્રકારની ડોક્ટરની બનાવટી ડિગ્રી કુલ આશરે 1,500 લોકોને વેચવામાં આવી. એક એક વ્યક્તિ પાસેથી આ માટે રૂ. 75,000 સર્ટિફિકેટના અને રૂ. 10,000 સુધીની અન્ય રકમ પ્રોટેક્શન મની તરીકે ઉઘરાવવામાં આવતી હતી.

આ કૌભાંડના માસ્ટર માઇન્ડ બી.કે.રાવત અને રસેશ ગુજરાતી સહિત કુલ 14 લોકોની ધરપકડ થઈ છે, જેમાં 12 બોગસ ડોક્ટર છે. આ કૌભાંડીઓ BEMS એટલે કે બેચલર ઓફ ઈલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસીન ની ડિગ્રી વેચાણથી આપતા હતાં. અત્યાર સુધીમાં રાવતે આ ધંધામાં રૂ.10 કરોડની કમાણી કરી લીધી છે. રાવત અને ગુજરાતી- આ બે માસ્ટર માઇન્ડ 20 વર્ષ અગાઉ એકમેકના સંપર્કમાં આવેલા ત્યારથી આ કૌભાંડ ચાલતું હતું. બી.કે.રાવતની પોતાની પાસે BAMSની ડિગ્રી હોવાનો દાવો થયો છે. જ્યારે રસેશ ગુજરાતી પાસે DHMSની ડિગ્રી છે. ડોક્ટર ગુજરાતી તો સુરતમાં એક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલો છે. જ્યારે રાવત આ ડિગ્રી આપવા બનાવટી મેડિકલ શિક્ષણ બોર્ડ ચલાવતો હતો.

સુરતની પાંડેસરા પોલીસે 3 બોગસ ક્લિનિક ઝડપી લીધી હતી, તેમાં જે પૂછપરછ થઈ તેના આધારે આ આખું કૌભાંડ જાહેર થયું. આ 3 ક્લિનિકના નામો: કવિતા ક્લિનિક, પ્રિન્સ ક્લિનિક અને શ્રેયાન ક્લિનિક છે. આ ત્રણેય બોગસ ક્લિનિક એક જ વિસ્તાર પાંડેસરામાં ધમધમતી હતી. રસેશ ગુજરાતીના રાંદેર ખાતેના રહેણાંક પરના દરોડામાં સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજ મળી આવ્યા છે. રાવતની અમદાવાદ ઓફિસે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી 10 કોરા બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ, 30 ભરેલાં સર્ટિફિકેટ, 160 એપ્લિકેશન ફોર્મ, 12 ID કાર્ડ અને વેબસાઈટ પર નોંધાયેલા 1,630 ઉમેદવારોના નામો મળી આવ્યા છે. આ કૌભાંડીઓ પોતાના દલાલો મારફતે આ બોગસ ડોક્ટરોને ધમકાવી તેમની પાસેથી રૂપિયા પણ ખંખેરતા.
