Mysamachar.in-સાબરકાંઠાઃ
ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પ્રહારો કરવાની એકપણ તક ચૂકતા નથી. થોડા સમય પહેલા જ રાજસ્થાન કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દારૂબંધીના નિવેદન કરી ગુજરાતમાં ભાજપની સરકારને આડેહાથ લીધી હતી, હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવા શબ્દોમાં કોંગ્રેસ અને તેના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મજાક ઉડાવી છે. નીતિન પટેલે કહ્યું કે હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો કોઈ ભાવ પણ પુછતું નથી. અબજોના માલિકને પણ ચાની લારી પર ચા પીવી પડે તેવા દિવસો આવી ગયા છે. તેમણે ઉમેર્યુ કે કોંગ્રેસ વેરણ છેરણ થઇ ગઈ છે. કોઈ પ્રમુખ બનવા પણ તૈયાર નથી.
શુક્રવારે ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધી ગુજરાતી ભોજનની મિજબાની માણ્યા બાદ અમદાવાદની જાણીતી લક્કી હોટલમાં ચાની ચુસ્કી માણી હતી. માનહાની કેસ અંતર્ગત કોર્ટમાં હાજર થયા બાદ એરપોર્ટ જતાં પહેલાં રાહુલે લક્કી હોટલમાં ચા પીધી હતી. જેના પર નીતિન પટેલે કટાક્ષ કર્યો અને કહ્યું છે કે, અબજોપતિઓને ચાની લારીએ ચુસ્કી મારવાના દિવસો આવી ગયા છે. અમદાવાદ પહોંચેલા રાહુલ ગાંધીએ ગુજરાતી ભોજનના સ્વાદનો આનંદ માણ્યો હતો. હોટલ અગાશિયેમાં રાહુલે ઢોકળા, ભાખરી, ભજીયા, સાદી અને મસાલા ખીચડી, મિક્સ શાકભાજી ઉપરાંત સુખડી સહિત ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો. તો તાજેતરમાં પરીક્ષા રદ્દ થવા મામલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે 22 વર્ષનું ભાજપનું શાસન એટલે મોંઘું અને ખાનગીકરણ શિક્ષણ, મધ્યપ્રદેશની જેમ ગુજરાતની ભાજપ સરકારે પણ ભરતીમાં વ્યાપક કૌભાંડ કર્યું છે. GEB અને AMCની પરીક્ષામાં પણ કૌભાંડ થયું છે, અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર વેધક સવાલ કરતાં પુછ્યું કે 10.45 લાખ જેટલા આશાસ્પદ યુવાનોએ આર્થિક કસ્ટ ભોગવીને તૈયારીઓ કરી હતી, પરંતુ શું રાજ્ય સરકારે ભાજપના મળતિયાઓનું સેટિંગ ન થયું એ માટે ભરતી રદ કરી છે ?