Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સામાન્ય રીતે કોઈ સાઈબર ક્રાઈમની કે કોઈપણ ફરિયાદ નોંધાય તો મહિનાઓ ચાલ્યા અમુક મા તો વર્ષ પણ થઇ જાય તો પણ આવા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને કડીઓ મળતી નથી, અને અઠવાડિયા પહેલા દ્વારકા જીલ્લાની મહાકાય કંપની દ્વારા નોંધાયેલ ફરિયાદ બાદ પોલીસને એવી તો સ્ફૂર્તિ ચઢી કે આરોપીને ઝડપી પાડવા છેક બેંગલોર સુધી પહોચી ગઈ અને આરોપી ઝડપાઈ પણ ગયો, ત્યારે સામાન્ય ફરિયાદી હોય તો પણ પોલીસ આટલો જ રસ દાખવે તો સાચું કહેવાય….
વાત એવી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નજીક આવેલ નયારા એનર્જી કંપનીના બોગસ લેટરપેડ બનાવી અને તેના પર ખોટી સહીઓ અને સિક્કાઓ કરી અને અમુક લોકો પાસેથી કોઈ શખ્સ ડોનેશન ઉઘરાવી રહ્યાનું કંપનીને ધ્યાને આવતા કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા,બેંગ્લોરમાં રહેતો ઉદયન ગુપ્તા નામનો શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસની તપાસ સાઈબર સેલની ટીમને સોંપવામાં આવી હતી,
પણ પોલીસને આ કેસમાં એવી તો સ્ફૂર્તિ આવી ગઈ કે આરોપીનું પગેરું પણ દબાવી લીધું અને આ કેસમાં પોલીસે બેંગલોર જઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે, આરોપી દ્વારા ઓનલાઇન ખોટી કંપનીઓ ખોલી, ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી, નયારા એનર્જી કંપનીના ખોટા દસ્તાવેજ જેમ કે લેટરપેડ, સ્ટેમ્પ્સ વગેરે બનાવતો હતો. બાદમાં આ બનાવટી દસ્તાવેજ વ્યક્તિ કંપની કે સંસ્થાઓને મેઈલ અને વોટસએપ કરવામાં આવતા. જે દસ્તાવેજમાં કંપનીને ડોનેશન આપવા માટે કંપનીના લેટરપેડમાં CRS (Corporate social responsibility) એકટીવીટી અંતગર્ત વિશ્વાસમાં લઈ મીડીએટર તરીકે રકમની માંગણી કરવામાં આવતી અને ત્યારબાદ મીડીએટર તે રકમ પોતાના ખાતામાં જમા કરાવતો હતો.
આરોપી ઝડપાઈ ચુક્યા બાદની પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ પશ્ચિમ બંગાળના ડ્રગ્સ લેવાના ગુનામાં પકડાયેલ હતો અને આરોપીએ અગાઉ ઘણી ખોટી કંપનીઑ ખોલી અગાઉ પણ ઘણા લોકો સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હોવાનો કબૂલાત આપેલ છે.