Mysamachar.in-જામનગર:
શેરબજાર, ટેક્સચોરી કૌભાંડ અને સરકારમાંથી ખોટી રીતે ITCના નાણાં મેળવી લેવા તેમજ સાયબર કૌભાંડ અને છેતરપિંડીઓમાં ‘ભાગીદારી’ રાખવા અને ચોક્કસ કિસ્સાઓમાં મુખ્ય આરોપીઓ હોય એવા શખ્સોની આલમમાં બેંક એકાઉન્ટ ‘ભાડે’ આપવા-લેવાનો ધંધો વર્ષોથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત બધે જ ધમધોકાર ચાલે છે ! હમણાં આ અંગે ઝુંબેશ શરૂ કરવામાં આવી.
સમગ્ર સૌરાષ્ટ્રના જામનગર સહિતના 11 જિલ્લાઓમાં પોલીસ આ ઝુંબેશ ચલાવી રહી છે. જો કે, હજારો ખાતાં છતાં ધરપકડ બહુ ઓછા શખ્સોની થઈ છે. પ્રચાર એવો કરવામાં આવે છે કે, બેંક એકાઉન્ટ ભાડે આપનારા શખ્સો ‘પરચૂરણ’ હોય છે, બે પાંચ હજાર રૂપરડી માટે બેંક ખાતાં ભાડે આપે છે. જો કે આ તપાસનો વિષય છે કે, કયા બેંક એકાઉન્ટની ક્યા કૌભાંડમાં શી ભૂમિકાઓ છે.
પોલીસ વિભાગની રાજકોટ રેન્જમાં સૌથી વધુ ભાડે બેંક એકાઉન્ટ જામનગરમાં. અને, સમગ્ર સૌરાષ્ટ્રમાં જૂનાગઢને બાદ કરતાં આ કુંડાળાઓનું બીજા ક્રમનું એપી સેન્ટર પણ જામનગર ! એક પણ શખ્સની ધરપકડ થઈ શકી નથી અને પોલીસ શોધી ન શકી હોય એવા બેંક એકાઉન્ટધારકો સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જામનગરમાં !
સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 400 આવા બેંક એકાઉન્ટ સાથે જૂનાગઢ પ્રથમ અને જામનગર 363 એકાઉન્ટ સાથે બીજા ક્રમે, જૂનાગઢમાં 15 શખ્સોની ધરપકડ, જામનગરમાં ધરપકડ 00 , જૂનાગઢમાં જેટલી FIR એટલી ધરપકડ, જામનગરમાં 22 FIR અને ધરપકડ નીલ. જૂનાગઢમાં એક પણ આરોપીને નોટિસ નહીં, જામનગરમાં 79 શખ્સોને નોટિસ. જામનગરમાં 87 ખાતાંધારકો એવા છે, જેને પોલીસ શોધી શકી નથી. જૂનાગઢમાં આ સંખ્યા 75 છે. આ પ્રકારના સૌથી ઓછાં કેસ બોટાદ જિલ્લામાં, દ્વારકામાં 2 FIR, ધરપકડ ઝીરો. ધરપકડો કરવામાં મોરબી-રાજકોટ પોલીસ સૌથી આગળ, જ્યાં કેસ ઓછાં છે.
























































