Mysamachar.in-સુરત
સુરત રેલ્વેના 3 દગાખોર કર્મચારીઓને પોલીસે ઝડપી લીધાં છે. આ રેલ્વે કર્મચારીઓએ વિભાગે તેમના પર મૂકેલાં ભરોસાનો ભંગ કર્યો. ક્રૂર છેતરપિંડી આચરનારા આ ત્રણેય રેલ્વે કર્મચારીઓ અન્ય રાજ્યના રહેવાસીઓ છે અને સુરત રેલ્વેમાં નોકરી કરે છે. આ શખ્સોએ પોતાના અંગત સ્વાર્થ માટે, પ્રમોશન સહિતના લાભો માટે, આ કાવતરૂં રચેલું પરંતુ સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં આ કાવતરાંનો પર્દાફાશ કરી લીધો. આ ત્રણેય રેલ્વે કર્મચારીઓને નાઈટ પેટ્રોલિંગની જવાબદારીઓ સોંપાયેલી હતી. જવાબદારીઓ નિભાવવાને બદલે નોકરીમાં વિવિધ લાભો ખાટી જવા આ શખ્સોએ આ કૃત્ય આચરેલું એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સુરત વિભાગના IG પ્રેમવીરસિંગના માર્ગદર્શન મુજબ, એસપી હિતેષ જોઈસરના નેતૃત્વ હેઠળ ડીવાયએસપી આર.આર.સરવૈયાની ટીમે ગણતરીની કલાકોમાં આ પર્દાફાશ કર્યો. આ ત્રણેય આરોપીઓના મોબાઈલમાંથી આ રેલ્વે ટ્રેક સંબંધી તથા જે કાંઈ ભાંગફોડ થયેલી તેના ફોટોગ્રાફસ અને વીડિયોઝ મળી આવ્યા છે. જેનો સમય આ કાવતરાંના સમય સાથે મેચ થાય છે.
સુરત પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સોએ પોતાને એવોર્ડ મળે, પ્રસિદ્ધી મળે, મોન્સૂન નાઈટ ડયૂટી લંબાવવા અને એ રીતે રજાના લાભો લઈ પરિવાર સાથે બહાર જવા સહિતના વિવિધ હેતુસર આ કાવતરૂં ઘડયું હતું પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીઓને કારણે આ શખ્સો ઝડપાઈ ગયા છે. આ ત્રણેય રેલ્વેકર્મીઓના નામો: સુભાષ ક્રિશદેવ પોદાર, મનિષ સૂર્યદેવ મિસ્ત્રી અને શુભમ જયપ્રકાશ જયસ્વાલ છે.