Mysamachar.in-જામનગર:
રાજ્ય સરકારની મહત્ત્વપૂર્ણ પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ આજરોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગર ખાતે આજે યોજાયેલ સમારોહમાં પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રાજયકક્ષાએ મેજર સિટીઝની શ્રેણીમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર અને સશકત બનાવવા માટે અને સ્થાનિક સત્તામંડળ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય પ્રયાસોથી દ્વિતીય સ્થાનથી સન્માનિત કરવામાં આવેલ છે.
આ એવોર્ડ રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ રાજ્યકક્ષાના મંત્રી (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ)ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકા વતી આસિસ્ટન્ટ કમિશ્નર મુકેશ વરણવા અને ટીમ ઉપસ્થિત રહીને આ એવોર્ડ સ્વીકાર્યો હતો. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત રસ્તા પર વ્યવસાય કરતા નાના વેપારીઓને લોન સહાય, આર્થિક સ્થિરતા અને આત્મનિર્ભરતા માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા અસરકારક આયોજન, ઝડપી અમલ અને વ્યાપક આવરણ સાથે કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યસ્તરે મહાનગર પાલિકાની કામગીરીને વિશેષ નોંધ લઇ આ સન્માન આપવામાં આવ્યું હોવાનું આસિસ્ટન્ટ કમિશ્નર મુકેશ વરણવાએ જણાવ્યું હતું.

























































