Mysamachar.in-સુરત:
અહીં ગાંધીજીનો જન્મ થયો હતો અને રાષ્ટ્રપિતા ગાંધીની આ કર્મભૂમિ પણ છે તથા દારૂનો દૈત્ય સામાજિક દૂષણ છે- એવી દલીલો સાથે, રાજ્યની સ્થાપનાથી અત્યાર સુધી, 65 વર્ષથી ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સામેના છેડે આ દારૂબંધી માત્ર કાગળ પર છે, એ હકીકત ગુજરાતનો આવતીકાલનો નાગરિક બાળક પણ જાણે છે. આ સ્થિતિઓ વચ્ચે, હવે રાજ્યમાં બુટલેગરો અતિ કરી રહ્યા છે અને પોલીસને ‘અમે તમને ખરીદી લીધાં છે ‘ એ બાબતનું ભાન જાહેરમાં પણ કરાવી રહ્યા છે ! અને એથીયે અચરજની અને ગંભીર બાબત એ છે કે, રાજ્યના ગૃહરાજ્યમંત્રીના વિસ્તારમાં જ આવો અવાજ ઉઠ્યો.
ગૃહરાજ્યમંત્રીના પંથક સુરતના સચિન ઉદ્યોગનગરનો આ ચકચારી બનાવ છે. આ ઉદ્યોગનગર વિસ્તારમાં ગભેણી નામનું એક ગામ છે. આ ગામમાં પોલીસ એક બુટલેગરના ઘરે દરોડો પાડવા પહોંચી. ત્યારે, નયના નામની મહિલા બુટલેગર અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. મહિલા બુટલેગર આ બબાલ દરમિયાન એક જ રટણ કરતી સાંભળવા મળી કે- દારૂનો ધંધો કરવા હપ્તાના પૈસા તો આપી દીધાં છે, તો પણ રેડ પાડવા શા માટે આવો છો.
આ બબાલ ચાલુ હતી ત્યારે, એક પોલીસકર્મી કોઈને ફોન કરવા એક બાજુ ગયો. બુટલેગરોએ આ પોલીસકર્મી પાસેથી ફોન આંચકી લઈ તોડી નાંખ્યો. આ ગંભીર બનાવનો વીડિયો રાજ્યભરમાં વાયરલ પણ છે. નયના નામની આ બુટલેગરના ઘરમાં દારૂનો જથ્થો પડ્યો છે, એવી જાણકારીઓ મળતાં પોલીસ દરોડો પાડવા ગયેલી એ સમયે આ ડખો થયો. અને આ ડખો સમગ્ર રાજ્યમાં ચર્ચાઓનો વિષય બની ગયો.
પોલીસકર્મીઓ દરોડો પાડવા બુટલેગરના ઘરમાં ગયા કે તરત જ બુટલેગરના ઘરના સભ્યો આક્રમક બની ગયા. પોલીસકર્મીઓ અને એમની વચ્ચે રીતસર ઝપાઝપી થઈ. આ સમયે બુટલેગરના મળતિયાઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો. બુટલેગર દ્વારા સતત રટણ કરવામાં આવતું હતું કે, પૈસા આપી દીધાં છે છતાં રેડ પાડવા આવી જાઓ છો. આ બબાલ સમયે કોઈ પોલીસકર્મી સાથે ફોનમાં વાત પણ કરાવવામાં આવી હતી. પરંતુ આ બબાલનો વીડિયો બની જતાં મામલો ગરમ થઈ ગયો.

પોલીસનો ફોન ઝૂંટવીને તોડી નાંખવામાં આવ્યો હોવા બાબતે વીડિયો બની જતાં- આ કારણથી પોલીસકર્મીઓ અને બુટલેગરના મળતિયાઓ વચ્ચે મોટું ઘર્ષણ થયું. બાદમાં નયનાના ઘરમાંથી પોલીસકર્મીઓએ 118 લિટર દેશી દારૂ કબજે લીધો. અને મહિલા બુટલેગર તથા તેણીના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. આ આખી બબાલનો વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાયરલ થઈ જતાં, ગુજરાત પોલીસની કાર્યપદ્ધતિઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસસૂત્રના જણાવ્યા અનુસાર, પોલીસે આ કામગીરીઓ 14 ફેબ્રુઆરીએ કરી હતી, તેનો આ વીડિયો વાયરલ થયો છે. વેલેન્ટાઇનના દિવસે, પોલીસ અને બુટલેગર વચ્ચેનું ઈલુ ઈલુ વિચિત્ર રીતે બહાર આવી જતાં ભારે ચકચાર જાગી છે.
