Mysamachar.in-મહેસાણા:
ગુજરાતની ભાજપા સરકારમાં નાયબ મુખ્યપ્રધાનપદ શોભાવી ચૂકેલા નિતીન પટેલ કડવા અને ચોંકાવનારા નિવેદનો ‘જાહેર’માં કરવા ટેવાયેલા છે. જો કે, આજ દિન સુધીમાં તેમના આ પ્રકારના નિવેદનો વિરુદ્ધ ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી- કયાંય, કોઈએ વળતો પ્રહાર કર્યો હોય એવું નોંધાયુ નથી. નિતીન પટેલએ આ વખતે વધુ આકરૂં નિવેદન કર્યું છે, જેને કારણે સરકાર બેકફૂટ પર મૂકાઈ ગઈ છે અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સહિત બધે જ કાકાનું આ નિવેદન વાયરલ થઈ ગયું છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડરણ ગામમાં નવા આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં નિતીન પટેલે આ ધડાકો કરતાં સમગ્ર રાજ્યમાં ભાજપામાં ખળભળાટ મચી ગયો છે. કાર્યક્રમમાં તેઓ એમ બોલ્યા હતાં કે, જમીનોના દલાલો માફક રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. ભાજપાનો કાર્યકર છું, હોદ્દેદાર છું અને નેતા છું કહી આ દલાલો અધિકારીઓ સાથે ઓળખાણ કરી લ્યે છે. કામો કરાવી લ્યે છે. સરકારે આવા દલાલોને મોટા અને સુખી કરી દીધાં છે. આ દલાલો કરોડપતિ બની ગયા છે.
નિતીન પટેલએ જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપતાં જાણકારો અનેક તર્કવિતર્ક કરી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, લાંબા સમયથી ભાજપામાં કે સરકારમાં નિતીન પટેલને કોઈ જ મોટી અને અસરકારક જવાબદારીઓ સોંપવામાં આવી નથી. એક રીતે જોઈએ તો એમને સાઈડલાઈન જ કરી નાંખવામાં આવ્યા છે. જાણકારો એમ પણ કહે છે, આ પ્રકારના કારણોસર તેઓ થોડા થોડા સમયે અંદરની વાતો બહાર લાવી, ચોક્કસ અગ્રણીઓ અને પક્ષને પણ નિશાન પર લઈ રહ્યા છે. નિતીન પટેલની આ હતાશા ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં શું શું કરી શકે છે, તેના પર સૌની નજર છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાંક સમયથી શાસકપક્ષને ગુજરાતમાં ઘણી કઠિનાઈઓનો સામનો જાહેરમાં અને ખાનગીમાં કરવો પડી રહ્યો હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે, જે સૂચક છે.