Mysamachar.in-આણંદ:
આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે અહી દારુનું વેચાણ કે સેવન કરવું ગુન્હો છે પણ આ બાબતનો કેટલાક સરકારી બાબુઓ સુપેરે લાભ લે છે, ACBએ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રોશનકુમાર વણકરની દારૂબંધીના કેસમાં ફરિયાદી પક્ષને હળવું કરી આપવા 1.5 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરાઈ છે.
ACBના જણાવ્યા અનુસાર આ કેસમાં ફરિયાદીના મિત્ર સામે દારૂબંધીનો કેસ નોંધાયેલો હતો અને આરોપી કોન્સ્ટેબલ પોતાને તપાસ અધિકારી (સબ-ઇન્સ્પેક્ટર)ના રાઈટર તરીકે ઓળખાવતો હતો. ત્યારબાદ તેણે કેસમાં કોઈ સમસ્યા ન થાય તે માટે 2,00,000 રૂપિયાની લાંચ માંગી હતી. રકઝક બાદ લાંચની રકમ ઘટાડીને રૂ.1,20,000 કરવામાં આવી. જોકે, આરોપીએ પાછળથી રૂ.30000 વધુ માંગ્યા, જેના કારણે લાંચની કુલ રકમ 1,50,000 રૂપિયા થઈ ગઈ હતી.
ફરિયાદીએ ACB ટોલ-ફ્રી હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને ACB આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા, ACB અધિકારીઓએ ગુરુવારે છટકું ગોઠવ્યું હતું અને લાંચ લેવા આવેલા આરોપીની ધરપકડ કરી છે.
16 જાન્યુઆરીએ ACBએ કલોદરા ગામના ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતું. આરોપી કોન્સ્ટેબલે ફરિયાદી સાથે લાંચની રકમ અંગે વાતચીત કરતાં જ ACBએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કર્યો છે. PSIના રાઇટર તરીકે ફરજ બજાવતા આરોપી રોશનકુમાર વણકરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.