Mysamachar.in-સુરત:
રાજ્યના વિવિધ ધોરીમાર્ગો પર અકસ્માતોની વણઝાર ચાલતી જ રહે છે, વધુ ને વધુ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. વાહનચાલકોની બેદરકારીઓ અવારનવાર ચર્ચાઓમાં ચમકી રહી છે, અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરીમાર્ગો પર ખાસ કરીને પાવર સ્ટીયરિંગ ધરાવતી મોટરોના ચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવતા હોય છે, તેઓ આકસ્મિક પરિસ્થિતિઓ વખતે પોતાનું વાહન કંટ્રોલ કરી શકતા નથી. પરિણામે ઘાતક અકસ્માતો સર્જાતા રહે છે અને લોકો મોતને ભેટતાં રહે છે.
આવો વધુ એક અકસ્માત અંકલેશ્વર અને સુરતને જોડતાં ધોરીમાર્ગ પર સર્જાયો. એક બેકાબૂ કાર ધડાકાભેર તોતિંગ વૃક્ષ સાથે અથડાઈ જતાં કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયા. કારમાં સવાર પરિવારના સભ્યો ભાવનગરથી સુરત તરફ જઈ રહ્યા હતાં ત્યારે, હાંસોટ તાલુકાના શેરા ગામ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.
અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તથા સ્થાનિક પોલીસ ટૂકડી અકસ્માત સ્થળે પહોંચી હતી. કારમાં સવાર ચોથી વ્યક્તિને પહોંચેલી ઈજાઓ સામાન્ય હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાં ત્રણ લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નજીકમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.