Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજયમાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ મોટો અને સંવેદનશીલ વિષય છે. આ પ્રકારના અસંખ્ય કેસ અદાલતોમાં ચાલતાં રહે છે, ઝઘડાઓનો ભાગ્યે જ અંત આવતો હોય છે. આ પ્રકારના કેસોમાં તકરારને બદલે સમાધાનની ભૂમિકા સર્જવા માટે વડી અદાલતે સમગ્ર રાજ્યમાં કાયમી લોક અદાલતો બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આગામી શુક્રવાર, 19 એપ્રિલથી તેનો આરંભ પણ થઈ જાય એ માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે.
કૌટુંબિક વિખવાદો ખાસ કરીને લગ્ન જીવનની તકરારોના નિરાકરણ માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પહેલના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં કાયમી પ્રિ-લીટીગેશન લોક અદાલતની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલત એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જેમાં દંપતિઓની વૈવાહિક તકરારો અને લગ્ન જીવનના ઝઘડાઓ સહિતના કૌટુંબિક વિવાદોના કેસોમાં સંવાદ અને મધ્યસ્થી દ્વારા સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવાના પ્રયાસ કરવામાં આવશે.
લાંબી કાયદાકીય આંટીઘૂંટીઓમાં અને કાનૂની કાર્યવાહીઓમાં ફસાયા વિના કે કોઈ પણ ડર કે ચિંતાઓ વગર આ પ્લેટફોર્મ પર પક્ષકારોને ઝડપથી ન્યાય મળી શકે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. પ્રિ-લીટીગેશન લોક અદાલતના હુકમનું વજન અન્ય કોઈ કોર્ટના ચુકાદા જેટલું જ મજબૂત અને અધિકૃત રહેશે. રાજ્યમાં અદાલતોમાં દાખલ થતાં કેસોમાં લગ્ન જીવનની તકરારોના કેસોનું પ્રમાણ વધુ રહેતું હોય છે. આ પહેલ દ્વારા પક્ષકારો વચ્ચે વાતચીત થશે, મધ્યસ્થી થશે અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. આ વાત બહુ મોટું પગલું પૂરવાર થશે.
આગામી ગણતરીના દિવસોમાં આ પ્રકારની કાયમી લોક અદાલતો માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી લેવામાં આવશે અને બહુ ઝડપથી આ પ્લેટફોર્મનો અમલ શરૂ કરી દેવામાં આવશે. સૌ પ્રથમ અમદાવાદમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે આવી બે લોક અદાલત કાર્યરત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, મેજિસ્ટ્રેટ કોર્ટથી માંડીને છેક સુપ્રિમ કોર્ટ સુધી આ પ્રકારના કૌટુંબિક વિખવાદોના કેસો લાંબા સમય સુધી ચાલતાં રહેતાં હોય છે. જેમાં બધાં જ પક્ષકારોએ વર્ષો સુધી આર્થિક, માનસિક અને શારીરિક હાલાકીઓ વેઠવી પડતી હોય છે. ઘણાં પરિવારો બરબાદ થતાં હોય છે. અદાલતના આ નવા અભિગમને પક્ષકારોમાં વ્યાપક આવકાર પ્રાપ્ત થશે એમ માનવામાં આવી રહ્યું છે.