Mysamachar.in-બોટાદઃ
બોટાદમાં આવેલી બરવાળા ચોકડી પાસે સોમવારની રાતે પોલીસની PCR વાન અને રીક્ષા સામ સામે ધડાકાભેર અથડાઇ હતી, ટક્કર એટલી મોટી હતી કે રીક્ષામાં સવાર છ લોકો પૈકી ત્રણનાં મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો રીક્ષાનો ડુચો બોલી ગયો હતો. પોલીસની આ વાન બોટાદ પોલીસની જ હતી. બોટાદ પોલીસ સ્ટેશનની PCR વાન નંબર જી.જે.33 જી.0519 બરવાળા તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતી રીક્ષા સાથે અથડાઇ હતી. રિપોર્ટ પ્રમાણે આ રીક્ષા મહંમદભાઈની હતી જે બોટાદના રહેવાસી છે, તેઓ જ ડ્રાઇવિંગ કરતાં હતા, અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. ઘટના બાદ બરવાળા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે રોડની સાઇડમાં સમારકામ ચાલી રહ્યું હતું જેથી અહીં નજીક માટીના ઢગલા પડેલા હતા જેના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. તો જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં સાત લોકોના અકસ્માતમાં મૃત્યુ થતાં ચકચાર મચ્યો છે.