my samachar.in-અમદાવાદ:
પાટીદાર સમાજને અનામત આપવાની અને ખેડૂતોને દેવા માફીની માંગણી સાથે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા હાર્દિક પટેલના આંદોલન મામલે ચાર દિવસ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય નિવેદનબાજી સાથે રાજકારણ શરૂ થતાં નવો વણાક આવ્યો છે,
અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને ઉપવાસ આંદોલન પર બેઠેલા હાર્દિક પટેલના આંદોલનનો આજે ૪થો દિવસ હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, કોંગ્રેસનાં ટેકાથી તેમના એજન્ટો ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે,
હાર્દિક પટેલનું નામ લીધા વગર જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, આવેદનપત્રમાં અનામત નો “અ” પણ લખેલ નથી સમાજને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે,બાબા રામદેવનું કોંગ્રેસનાં ભ્રષ્ટાચાર સામેનું આંદોલન કોણે તોડી પાડ્યું હતું, કોંગ્રેસને બોલવાનો અધિકાર જ નથી,જ્યારે કોંગ્રેસ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે, લોકશાહીમાં કોઈનો અવાજ દબાવવાનો કોઈને અધિકાર નથી અને બાબા રામદેવનું આંદોલન વિદેશમાથી કાળું નાણું પરત લાવવાનું હતું ક્યાં અમલવારી થાય છે અને દરેક નાગરિકના ખાતામાં ૧૫ લાખ જમા કરાવી આપવાના સપના દેખાડવામાં આવ્યા હતા જે હજુ પૂરા કરવામાં આવ્યા નથી તેમ આડકતરી રીતે ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા હતા,
આમ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનના ૪ દિવસ બાદ ભાજપ અને કોંગ્રેસ નેતાઓ મેદાનમાં આવીને આંદોલન મામલે એક બીજા ઉપર આકરા પ્રહાર કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે,અને આ ઉપવાસ આંદોલન રાજકીય રંગ તરફ ફંટોળાઈ રહ્યું હોય તેમ રાજકીય નિવેદનબાજી પરથી લાગી રહ્યું છે.