Mysamachar.in-વડોદરા:
એક તરફ આખું સૌરાષ્ટ્ર અને ગુજરાત સોમનાથ સ્વાભિમાન સમારોહ અને એમાં વડાપ્રધાનની હાજરીની તૈયારીઓમાં ગળાડૂબ છે, બરાબર એ જ સમયે શાસકપક્ષના વડોદરાના એકસાથે પાંચ MLAએ ફોડયો લેટરબોમ્બ અને આ પત્ર છેક CMને મોકલી આપ્યો, ધારાસભ્યોના નિશાન પર છે IAS અને IPS અધિકારીઓ.
આ પત્રના લખાણનો મતલબ એમ છે કે, કલેક્ટર- પોલીસ કમિશનર- જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર તથા DSP જેવા અધિકારીઓ નાગરિકોને તથા MLAને ભાજીમૂળો લેખે છે અને પ્રધાનોને પણ અધિકારીઓ ગાંઠતા નથી. રાજ્યમાં બધાં જ વહીવટીતંત્ર ખોરંભે ચડી ગયા છે, નાગરિકો સરકારી કચેરીઓમાં પોતાના કામો માટે જાય છે તો કોઈ તેનું સાંભળતું નથી.
ધારાસભ્યોએ પત્રમાં એવો પણ રોષ વ્યક્ત કર્યો કે, નાગરિકોને પોતાના કામો કરાવવા ખૂબ જ અઘરૂં બની ગયું છે. જમીની હકીકતો અમને ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોય છે, અધિકારીઓને કશી ખબર હોતી નથી અને આ અધિકારીઓ ચૂંટાયેલા લોકોને દાદ આપતાં નથી. અધિકારીઓ ખુદને ‘સરકાર’ સમજે છે. સમગ્ર રાજ્યમાં અધિકારીઓની આ માનસિકતાને કારણે અંધાધૂંધી ચાલી રહી છે, શાસકપક્ષની છબિને નુકસાન થઈ રહ્યું છે.
આ ધારાસભ્યો વડોદરાની ડભોઈ, સાવલી, વાઘોડીયા, કરજણ અને પાદરા વિધાનસભા બેઠકોના ધારાસભ્યો છે, જેમણે સંયુક્ત પત્ર સહીઓ કરીને CMને આપ્યો. ચૂંટાયેલા પ્રતિનિધિઓના આ પત્રને કારણે સમગ્ર રાજ્યમાં અધિકારીઓ ક્ષોભ અનુભવી રહ્યા છે અને વડોદરામાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સામસામે આવી ગયા. અધિકારીઓ પર શાબ્દિક ‘ગોળીબાર’ કરનાર આ પ્રતિનિધિઓ કહે છે, આ વાત માત્ર વડોદરા જિલ્લાની જ નથી, સમગ્ર રાજ્યમાં ‘અધિકારીરાજ’નો અનુભવ લોકોને થઈ રહ્યો છે.





















































