Mysamachar.in- જામનગર:
આફ્રિકન દેશ ઝીમ્બાબ્વેની સરકારમાં ગુજરાતી મૂળના રાજ મોદી વેપાર-ઉદ્યોગ મંત્રાલયના નાયબમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે ગુજરાતના ગૌરવરૂપ રાજ મોદી હાલ વતનના પ્રદેશ ગુજરાતના પ્રવાસે છે. તેઓએ ગઈકાલે જામનગરના ટુંકા રોકાણ દરમ્યાન શહેરના વેપારી પ્રતિષ્ઠાન શ્રીજી ગ્રુપ ઓફ કંપનીઝ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઝીમ્બાબ્વે નાયબ મંત્રી રાજ મોદીએ જામનગરમાં ટાઉનહોલ સર્કલ પર આવેલ શ્રીજી ગ્રુપની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી ત્યારે કંપનીના ચેરમેન અશોકભાઈ લાલ ડાયરેક્ટરો ક્રિષ્નરાજ લાલ અને વિરાજ લાલે તેઓને ઉષ્માભેર આવકાર્યા હતા. રાજ મોદી સાથે તેમના પત્ની પારૂલબેન મોદી, ઝીમ્બાબ્વે સરકારના વેપાર-ઉદ્યોગ મંત્રાલયના સેક્રેટરી મરીયમ, ઝિમ્બાબ્વેમાં વેપાર સાથે જોડાયેલા વઢવાણના ડો. દીપકભાઈ હિંડોચા, પારૂલબેન હિંડોચા, જનકભાઈ મોદી (રાજપીપળા) વગેરે પણ મુલાકાતમાં સાથે રહ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન શ્રીજી ગ્રુપના ચેરમેન અશોકભાઈ લાલ સાથે ઝીમ્બાબ્વેની પ્રવર્તમાન રાજકીય ઔદ્યોગિક અને આર્થિક બાબતોની ઓપચારિક ચર્ચા ઝીમ્બાબ્વેના વેપાર ઉદ્યોગ મંત્રી રાજ મોદીએ કરી હતી, આ શુભેચ્છા મુલાકાત વેળાએ શ્રીજી ગ્રુપના ડાયરેક્ટરો ક્રિષ્નરાજ લાલ અને વિરાજ લાલ ઉપરાંત બિપેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ મોદી, વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના રાજપીપળામાં 4 ફેબ્રુઆરી 1959 માં જન્મેલા રાજકુમાર ઇન્દુકાંત મોદીએ અર્થશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવેલ છે. તેવો 1982માં ઝીમ્બાબ્વે ગયા અને 1989 માં ત્યાની નાગરિકતા મળી અને હાલ તેઓ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પ્રતિષ્ઠા મેળવી ચૂક્યા છે. હરારેમાં સ્થાયી થયેલ રાજ મોદી ત્યાંના સામાજીક અને રાજકિય ક્ષેત્રમાં અગ્રેસર રહ્યા અને વર્ષ 2017માં ચૂંટાઇ આવતાં હાલમાં ઝીમ્બાબ્વે સરકારમાં વેપાર-ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવપ્રદ છે. જામનગર થી તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકા જવા રવાના થયા હતા.