Mysamachar.in:સુરત
વ્યંઢળ અથવા કિન્નર – એક અર્થમાં સમાજથી તરછોડાયેલું પાત્ર છે. જો કે કાઠિયાવાડ સહિતના કેટલાંક પ્રદેશોમાં કિન્નરને માતા બહુચરાજીનાં ભક્તો અથવા સંતાનો તરીકે વિશિષ્ટ મહત્ત્વ પણ આપવામાં આવે છે. પાવૈયા પરંપરા માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં વ્યાપ ધરાવે છે. ગુજરાત પોલીસ હવે કિન્નરની મદદ લેવાનો કોન્સેપ્ટ (અભિગમ) લાવી છે ! આ કિન્નર સમાજ પોલીસવિભાગનાં કેટલાંક કામો આસાન બનાવી દેશે.
ગૂમ થયેલા બાળકોને ટ્રેનમાંથી, ઝૂંપડપટ્ટીમાંથી કે ટોલ બુથ પરથી શોધી કાઢવામાં કિન્નરો ચાવીરૂપ ભૂમિકા ભજવી શકશે. રાજ્યભરમાં કિન્નરો આ પ્રકારના કામો માટે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મદદ કરશે. આ કિન્નરો સ્વયંસેવક તરીકે કામ કરશે. તેઓનું નેટવર્ક દરેક શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોય છે. તેઓ ખુદ પોલીસનાં બાતમીદારો બનશે. અને કિન્નરો પાસે પોતાના બાતમીદારોનું પણ નેટવર્ક હોય છે.
કિન્નરો ખોવાયેલા બાળકો ઉપરાંત ગૂમ થયેલા પુરુષ અને મહિલાઓને શોધી કાઢવામાં પણ પોલીસને મદદ કરશે. સુરત ખાતે નવોદય ટ્રસ્ટનાં સ્થાપક એવાં કિન્નર નૂરી કંવર કહે છે : અત્યાર સુધી અમે આ પ્રકારના પીડિતોની માત્ર વ્યથા સાંભળતા હતાં, હવે અમે આ પ્રકારના ગુનેગારો સુધી પહોંચવા પોલીસને મદદ પણ કરીશું.