Mysamachar.in-
પોલીસ વિભાગમાં સામાન્ય કર્મચારી હોય કે ઉચ્ચ પોલીસ અધિકારી- દારૂબંધીવાળા ગુજરાતના દારૂ અંગે PhD કરી શકાય એટલું નોલેજ ધરાવતાં હોય છે, તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની ગૌરવયાત્રામાં આ ‘દારૂ’ ચર્ચાઓનો વિષય બની ગયો- એક પૂર્વ DSP ના કારણે. આ પૂર્વ DSP હાલ રાજ્યમાં પૂરવઠા મંત્રી છે.
રાજ્યના પૂરવઠા વિભાગના પ્રધાન પૂનમચંદ બરંડા અગાઉ DSP હતાં. નિવૃતિ બાદ તેમણે પ્રવૃત્તિઓ માટે સેવાનું ક્ષેત્ર રાજકારણ પસંદ કર્યું અને ચોક્કસ પ્રકારની ‘મથરાવટી’ ધરાવતાં વિભાગના પ્રધાન બની ગયા. તેમનું એક નિવેદન હાલ ચર્ચાઓમાં છે. ગુજરાતની કાગળ પરની દારૂબંધી આ પ્રધાને ‘છડેચોક’ જાહેર કરી નાંખી. આદિજાતિ વિકાસ અને પૂરવઠા બાબતોના મંત્રી પૂનમચંદ બરંડા તાજેતરમાં છોટાઉદેપુરમાં ભગવાન બિરસા મુંડાની ગૌરવયાત્રામાં સામેલ થયા હતાં. ત્યારનું તેમનું એક નિવેદન ચર્ચાઓમાં છે.
મંત્રી બરંડાએ નસવાડી ગામમાં સભામાં હાજર નાગરિકોને સંબોધન કરતાં કહ્યું: હું 2015માં અહીં DSP તરીકે આવ્યો ત્યારે અમારી દોસ્તી પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ભીલ સાથે થઈ હતી. તેઓ મને દારૂના વેચાણની ફરિયાદ કરતાં, ત્યારે અમારે તો ચલાવી લેવું પડે. આદિવાસી દારૂ પીવે. થોડું થોડું ચાલવાનું યાર. આ પ્રકારનું નિવેદન મંત્રી બરંડાએ આપ્યું. જે એ બાબત પર પ્રકાશ પાડે છે કે, ગુજરાત સરકારના પોલીસ અધિકારીની દારૂ અંગેની માનસિકતા શું હોય છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિઓ કેવી રીતે સંભાળવામાં આવતી હોય છે અને દારૂબંધીનો ખરો અર્થ શું હોય છે. આ તો માત્ર આદિવાસીઓના વિસ્તારની જ વાત છે પરંતુ રાજ્યભરના નાગરિકો જાણે જ છે, હકીકત શું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 2024માં ગુજરાતમાં દર ચોથી સેકન્ડે શરાબની એક બોટલ પકડાતી રહી. રૂ. 144 કરોડની કિંમતની કુલ 82 લાખ બોટલ ઝડપાઈ ગઈ. ન ઝડપાઈ હોય, એ બોટલોનો હિસાબ નાગરિકોએ શોધી લેવાનો.





