Mysamachar.in-સુરત:
સુરત શહેરના સારોલી વિસ્તારમાં બાપાનો બગીચો નામના ઢાબામાં ગ્રાહક જમવા બેઠો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલ બોલેરો પિક-અપના ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો હતો. આ બોલેરો સીધો ઢાબાની અંદર ઘુસી ગયો હતો. અહીં ઢાબામાં તોડફોડ મચાવી બોલેરોએ ટેબલ પર ભોજન કરી રહેલા એક યુવકને કચડી નાખ્યો હતો. આ ઘટના બાદ ઢાબાની અંદર રહેલા લોકો ઝડપથી બહાર ભાગી ગયા હતા. સુરતના સારોલી વિસ્તારમાં થયેલા આ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે.
ફુલ સ્પીડમાં આવી રહેલ બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી જાય છે. અહીં ટેબલ પર જમી રહેલા એક યુવકને કચડી નાખે છે. અહીં મુકવામાં આવેલ ખાટલા, ટેબલ ખુરશીના ભુક્કા બોલાવી બોલેરો અંદર પ્રવેશે છે. આ જોરદાર અકસ્માત બાદ ઢાબામાં હાજર લોકો સીધા બહાર ભાગે છે. અહીં ઢાબામાં એક યુવક ચા પણ બનાવી રહ્યો હતો. ઢાબાના માલિકે કહ્યું કે મને પણ સામાન્ય ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ઢાબાના માલિકે કહ્યુ કે, એક વ્યક્તિને ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ ડ્રાઇવર ભાગી ગયો હતો.