Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલના તંત્રને પ્રચારનો ભારે શોખ છે પરંતુ આ બધો જ સરકારી પ્રચાર તંત્રના ખુદના રેઢીયાળપણાંને કારણે ‘નીલ’ થઈ જાય છે, બધી જ સારી બાબતો અને કામગીરીઓ થોડાથોડા સમયે ભૂંસાઈ જાય છે. કારણ કે, આ હોસ્પિટલના સંચાલનમાં દરકાર લેવામાં આવતી નથી. આવો વધુ એક બનાવ જાહેર થયો.
આ હોસ્પિટલના કેસબારી વિભાગ નજીકથી શ્યામ નામનો એક દર્દી સારવાર સંબંધે પસાર થઈ રહ્યો હતો ત્યારે, હોસ્પિટલ સંકુલમાં કોઈ જ પ્રકારના નિયંત્રણ વગર રખડતાં સેંકડો કૂતરાં પૈકી એક કૂતરાંએ આ કેન્સરગ્રસ્ત દર્દીના હાથનો પંજો ફાડી ખાધો. દર્દીને લોહીલુહાણ કરી કૂતરૂં નાસી ગયું. દર્દી કણસતો રહી ગયો.
જીજી હોસ્પિટલના સત્તાવાળાઓ માટે આ નવી વાત નથી. હોસ્પિટલ સંકુલમાં રખડતાં પશુઓ પણ ઘૂસી જાય છે અને રખડતાં કૂતરાંઓનો તો અહીં કાયમી મુકામ છે, જે અંગે સત્તાવાળાઓ કોઈ જ દરકાર લેતાં નથી. માત્ર જામનગર શહેર જ નહીં, હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર પણ રખડતાં કૂતરાના ત્રાસને કારણે કોર્પોરેશન અને હોસ્પિટલ તંત્રની આબરૂ વધુ એક વખત ‘લૂંટાઈ’ ગઈ પણ અચરજની વાત એ છે કે, તંત્રોને આવા બનાવોને કારણે કોઈ પણ પ્રકારની શરમ આવતી નથી.
હોસ્પિટલમાં જ્યારે જ્યારે આ પ્રકારના બનાવ બને છે ત્યારે ત્યારે હોસ્પિટલ સત્તાવાળાઓએ એવી ફાંકા ફોજદારી અગાઉ પણ અનેકવખત કરી જ છે કે, આ બાબતે કોર્પોરેશન સાથે સંકલન કરવામાં આવશે અને સંબંધિત સિક્યોરિટી સ્ટાફને જરૂરી તાકીદ કરવામાં આવશે. જો કે હોસ્પિટલમાં અવારનવાર બનતાં આવા બનાવ એ વાતની સાક્ષી પૂરે છે કે, હોસ્પિટલ તંત્ર આ બાબતે માત્ર વાતો જ કરે છે. સમસ્યાને ઉકેલવામાં તંત્રને જરાય રસ ન હોય એવી આ સ્થિતિઓને કારણે લોકોમાં હોસ્પિટલ તંત્ર પ્રત્યે ભારે નારાજગીઓ અને રોષ વ્યક્ત થઈ રહ્યા છે.


