Mysamachar.in-ગાંધીનગર:
તમે કાદવથી ખરડાયેલા પગે ચાલો અને એવા વહેમમાં રહો કે, આપણે બચી ગયા, ભાગી જવામાં સફળ રહ્યા- આ તમારાં વહેમની કિંમત તમારે વહેલી યા મોડી ચૂકવવી પડી શકે છે, કારણ કે તમારી કાદવથી ખરડાયેલી ફૂટ પ્રિન્ટ તમને બચવા ન દે. એક સરકારી અધિકારીના મામલામાં આ વાત, નિવૃતિ બાદ પણ સાચી પડી છે.
વર્ષ 2021માં નિપુણ ચોકસી નામનો એક લાંચિયો ઈજનેર રૂ. 1.21 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો. તે સમયે (લાંચ લેવામાં)નિપુણ નામનો આ શખ્સ સર્વ શિક્ષા અભિયાન વિભાગમાં સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર હતો. આથી એ વાત પણ બહાર આવી ગઈ કે, આવા સારાં વિભાગમાં પણ લાંચ એક શિષ્ટાચાર છે !
બાદમાં ACBએ આ શખ્સના અલગઅલગ બેંકના 3 લોકરની પણ તપાસ કરી. તંત્રના આશ્ચર્ય વચ્ચે, આ 3 લોકરમાંથી રૂ. 2.27 કરોડની રોકડ અને રૂ. 10 લાખનું સોનું મળી આવ્યું. ACBની કાર્યવાહીઓના ઈતિહાસમાં લોકરમાંથી આટલી મોટી રકમ મળી આવવાનો રાજ્યનો આ પ્રથમ કિસ્સો રહ્યો. વધુ તપાસ દરમ્યાન બહાર આવ્યું કે, આ નિપુણ શખ્સે માત્ર 9 મહિનામાં રૂ. 3,08,90,279 ની સંપત્તિઓ વસાવી. આથી ACBએ આ શખ્સ વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો ગુનો દાખલ કર્યો. નોકરી દરમ્યાન લીધેલી લાંચ આ શખ્સને નિવૃતિ બાદ નડી ગઈ.
અત્રે ઉલ્લેખનિય છે કે, તે જ્યારે લાંચ લેતાં પકડાયો ત્યારે અદાલતના આદેશ મુજબ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને તે જેલમાંથી બહાર આવ્યો પછી તેને માર્ગ અને મકાન વિભાગમાં બદલી આપી તેને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. હવે તેની વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થતાં, હવે તેના નિવૃતિના દિવસો પણ ‘કઠણ’ સાબિત થશે. આ સમગ્ર પ્રકરણે પાટનગર ગાંધીનગરમાં ઘણાં ભ્રષ્ટ અધિકારીઓમાં સોપો પાડી દીધો છે. ખરડાયેલી ફૂટ પ્રિન્ટ ગમે ત્યારે નડી શકે, નિવૃતિ બાદ પણ.


