Mysamachar.in-જામનગર:
જે ભૂલ કરે એ ભોગવે- આ રૂઢિપ્રયોગ જામનગરના એક પ્રોફેસરના મામલામાં અક્ષરસ: સાચો પડ્યો છે. આ પ્રોફેસરની એક ભૂલ થઈ ગઈ અને તેમને સજા મળી- આજિવન પરીક્ષાની કામગીરીઓમાંથી તેમની બાદબાકી થઈ ગઈ. આ મામલાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર એટલાં માટે મચાવી દીધી કેમ કે, મામલો સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાનો છે. પરીક્ષાઓમાં કશું આડુંઅવળુ ચલાવી ન જ લેવાય.
જામનગરની એચ.જે.દોશી કોલેજના પ્રોફેસર હીરલ પંડ્યાએ કોલેજની આંતરિક પરીક્ષાઓ દરમ્યાન એક પ્રશ્નપત્ર સેટ કર્યું. બાદમાં, તેમને યુનિ. તરફથી ખાનગી રીતે, નિયમો અનુસાર પેપર સેટર તરીકેની જવાબદારીઓ સોંપાતા તેમણે આ જ પ્રશ્નપત્ર યુનિ.ની પરીક્ષા માટેના પ્રશ્નપત્ર તરીકે મોકલી દીધું. આ જો કે ભૂલ હતી એમ માનવામાં આવે છે. એમનો ઈરાદો ખોટો ન હતો, એમ પણ કહેવાય છે.
પરંતુ યુનિ. એ આ વિષયની પરીક્ષા રદ્દ કરી નાંખી. હવે આ પરીક્ષા 22મી એ ફરી લેવામાં આવશે. આજે સવારે આ બાબતે, એચ.જે.દોશી કોલેજના પ્રિન્સિપાલ ડો.તૌસિફખાન પઠાણે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમ્યાન જણાવ્યું કે, કોલેજ કક્ષાએ આ પ્રોફેસરને આજિવન પરીક્ષા કામગીરીઓમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને, આ સંબંધે સૌરાષ્ટ્ર યુનિ. પોતાનો નિર્ણય હવે જાહેર કરશે. જો કે, પ્રોફેસરે કશું જ ઈરાદાપૂર્વક નથી કર્યું..ભૂલ કરી. ભૂલની સજા સૌ કોઈને ભોગવવી પડતી હોય છે.


