Mysamachar.in:સુરત
આજના સોશ્યલ મીડીયાના યુગમાં જો જરાક પણ પગ લપસી જાય તો લેને કે દેને પડી ગયાનો કેટલાય લોકોને અનુભવ છે, કેટલીય એવી ગેંગો સક્રિય છે. જે ગેંગોમાં સ્વરૂપવાન યુવતીઓ સામે માલેતુજાર વ્યક્તિઓને વિડીયો કોલ કે રૂબરૂમાં ફસાવી દઈ અને સ્વરૂપવાન યુવતી સહિતની ગેંગ વિડીયો અને ફોટોને આધારે બ્લેકમેઈલ કરવાની શરૂઆત કરી લાખો પડાવે છે.આવો જ વધુ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે, જ્યાં કાપડના વેપારીને વિડીયોકોલમાં કપડા ઉતરાવી અને 4 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.માહિતી મુજબ ખરવાસા રોડ પર રહેતા 32 વર્ષીય કાપડના વેપારીના સોશિયલ મીડિયા પર 12મી સપ્ટેમ્બરે સાંજે એક યુવતીનો મેસેજ આવ્યો હતો. કાપડ વેપારીને મેસેજ કરનાર યુવતીએ પોતાનું નામ પ્રિયંકા શર્મા બતાવ્યું હતું. પ્રિયંકા નામની આ યુવતીએ કાપડ વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી તેની મોહજાળમાં ફસાવી દીધો હતો.
પ્રિયંકા શર્મા તરીકે ઓળખ આપનારી આ યુવતીએ કાપડ વેપારી સાથે વધુ સંબંધો કેળવી વીડિયો કોલ કરી નગ્ન થઈ બિભત્સ ઈશારા કર્યા હતા. આ દરમિયાન યુવતીએ વેપારીનો વીડિયો બનાવી લીધો હતો. પછી તે વીડિયોના આધારે વેપારીને બદનામ કરવા તેના ન્યૂડ ફોટા-વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહિ વિક્રમ રાઠોડ નામના શખ્સે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જ્યારે સોશિયલ મીડિયા ઓફિસર તરીકે રાહુલ શર્માએ વેપારીનો વીડિયો વાયરલ કરી દેવાની ચીમકી આપી રૂપિયાની માંગણી કરી હતી.
વેપારીએ બદનામીથી બચવા માટે ઠગ ટોળકીને વીડિયો ડિલીટ કરવા અને પોલીસ કેસને રફેદફે કરવા ટુકડે ટુકડે કરી રૂ. 3.64 લાખની રકમ આપી દીધી હતી. લાખોની રકમ આપી છતાં વેપારી પાસે વધુ રૂપિયાની માંગણી કરી હતી. છેવટે વેપારીએ મિત્ર મારફતે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વીડિયો કોલ કરનાર યુવતી પ્રિયંકા શર્મા , પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર વિક્રમ રાઠોડ અને સોશિયલ મીડિયા ઓફિસર રાહુલ શર્મા સામે ખંડણી, ધમકી અને આઈટી એકટનો ગુનો નોંધ્યો છે.