Mysamachar.in:સુરત
રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં કેટલીક સ્વરૂપવાન યુવતીઓ અને તેની સાથે રહેતી નકલી પોલીસ સહિતની ગેંગ માલેતુજાર લોકોને પોતાની જાળમાં ફસાવી અને બાદમાં મોટી રકમ કઢાવતી હોવાનું કેટલાય કિસ્સાઓમાં સામે આવી ચુક્યું છે, આવો જ વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે જ્યાં મહિલા સહિતની ગેંગે એક યુવકને હનીટ્રેપની જાળમાં ફસાવી 10 લાખથી વધુની રકમ પડાવી લેવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે,
શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા અને આઈ.ટી. સોફ્ટવેર યુવકને ઠગબાજ ટોળકીએ હનીટ્રેપનો શિકા૨ બનાવ્યો હતો. યુવકને વ્હોટ્સઅપ કોલ કરી નવુ સ્પા ચાલુ કર્યું છે અને સારી એવી ફેસીલીટી મળશે એમ કહી અલથાણ વીઆઈપી રોડ પર આવેલ આર્શીવાદ એવન્યુવાળી ગલીમાં એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો. અહીં શરૂઆતમાં ટોળકીએ યુવકને એક રૂમમાં મહિલા સાથે બેસાડ્યો હતો. અને થોડીવારમાં ટોળકીના અન્ય સાગરીતો પોલીસ બની અંદર ત્રાટકી દરોડા પડ્યા હતા. ત્યારબાદ યુવકને માર મારી પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી અને મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 10.13 લાખ પડાવી લીધા હતા. જે અંગેની અલથાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વિરેન્દ્ર ઉર્ફે રામ નામના યુવકે વ્હોટ્સએપ કોલ કરી તમારો મોબાઈલ નંબર અગાઉ સ્પામાં ગયા હતા ત્યાંથી મળ્યો છે અને અમે વી.આઈ.પી રોડ શ્યામ બાબા મંદિરની સામે કેવલનગર ખાતે નવુ સ્પા ચાલુ કર્યું છે. તમે ત્યાં આવશો તો સારી એવી ફેસીલીટી આપીશું તેવી વાત કરી લોકેશન મોકલી આપ્યું હતું. આમ કહી તેને વાતની માયાજાળમાં ફસાવ્યો હતો.
લોકેશનના આધારે પુષન વીઆઈપી રોડ વોટર હિલ્સ પાસે પહોચી ગયો હતો. ત્યાંથી પુષનને અજાણ્યો એક યુવક મકાનમાં લઈ ગયો હતો. મકાનમાં ત્રણ મહિલાઓ હતી. પુષનને પહેલા માળે એક મહિલા સાથે બેડ ઉપર બેસાડ્યો હતો. થોડીવારમાં બહારની સાઈડથી જોરજોરથી બારણું ખખડાવવાનો અવાજ આવતા મહિલા બારણું ખોલી વોશરૂમમાં ચાલી ગઈ હતી. દરવાજા ખોલવાની સાથે જ અંદર ઘુસી આવેલા બે અજાણયા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી. આઈ.ટી. વેપારી પુષનને મારવા લાગ્યા હતા અને ચાર ATM કાર્ડ લઈ લીધા હતા. આ સિવાય મોબાઈલમાંથી વિરેન્દ્ર સાથે વ્હોટ્સએપમાં થયેલી ચેટ ડિલીટ કરી હતી.
પુષનને પોલીસ સ્ટેશન લઈ જઈ મીડિયાને બોલાવી લાઈવ ન્યુઝ ચાલુ કરી બદનામ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી હતી. સમાજમાં બદનામી થવાના ડરથી પુષને તેમના કહેવા મુજબ સંજય જાદવ નામના યુવકના બેન્ક ઓફ બરોડાના ખાતામાં રૂપિયા 10,13,313 ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા પડાવી લીધા બાદ ટોળકીએ પુષનને તેનો મોબાઈલ અને ATM કાર્ડ આપી દીધા હતા અને આ બાબતની કોઈને જાણ કરી તો તકલીફ પડી જશે એવી ધમકી આપી હતી.
આ બનાવ અંગે પુષનની ફરિયાદને આધારે અલથાણ પોલીસે ત્રણ મહિલા સહિત સાત જણાની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અલથાણ પોલીસે યુવકની ફરિયાદને આધારે સાત મહિલા સહિત સાત જેટલા ઈસમો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં નકલી પોલીસ બનીને આવનાર અને વ્હોટ્સએપ પર કોલ કરનાર વિરેન્દ્રની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.