Mysamachar.in-સુરત:
આપણે ત્યાં ટ્રેન વ્યવહાર ખૂબ જ વ્યાપક છે. લાખ્ખો પ્રવાસીઓ ટ્રેનમાં મુસાફરી કરતાં હોય છે. આ પ્રવાસીઓ પૈકી અમુક યુવાનો ટીખળખોર પણ હોય છે. ચાલુ ટ્રેનમાં ટ્રેન ઉભી રાખવા માટેની સાંકળ મસ્તીમાં પણ ખેંચતા હોય છે અને પછી ટ્રેન ઉભી રહે એટલે આવાં મસ્તીખોર તત્વો ટ્રેનના ડબ્બામાંથી ઉતરી નજીકનાં વિસ્તારમાં ભાગી જતાં હોય છે. ઘણાં લોકો એવાં પણ હોય છે જેઓ ટ્રેન રૂટ પર શહેરથી દૂર રહેતાં હોય છે, આવાં ભેજાબાજ પ્રવાસીઓ ટ્રેન પોતાનાં વિસ્તાર નજીક પહોંચે ત્યારે સાંકળ ખેંચી, ટ્રેનમાંથી ઉતરીને અદ્રશ્ય થઈ જતાં હોય છે !
પરંતુ સુરત રેલવે કોર્ટે આવાં એક પ્રકરણમાં બે શખ્સોને ઉદાહરણરૂપ લાંબી જેલસજાનો હુકમ કર્યો છે. આ હુકમ આવાં તત્વો માટે સબક પૂરવાર થઈ શકે છે. આ કેસ અદાલતમાં પાંચ વર્ષ સુધી ચાલ્યા પછી, સજાનો આ હુકમ થયો છે. આ શખ્સોના નામ અકીલ શેખ અને અનીશ શેખ છે. આ શખ્સોએ એક ટ્રેનને સાંકળ ખેંચી રોકયા પછી, સેંકડો પ્રવાસીઓ અંદાજે 25-30 મિનિટ સુધી પરેશાન થયા હતાં. પ્રવાસીઓએ અસુવિધાઓ ભોગવવી પડી હતી. સરકારી વકીલની વિસ્તૃત દલીલો ધ્યાને લઈ અદાલતે આ બંને શખ્સોને 10-10 મહિનાની જેલસજાનો હુકમ કર્યો છે. આ ચુકાદો ઘણાં મસ્તીખોર લોકોની આંખો ઉઘાડી શકશે.