Mysamachar.in-ગોંડલ
એક તરફ યુવાઓને નોકરી મળતી નથી અને બીજી તરફ જેમને કોઈ પણ રીતે નોકરી મળી જાય છે, એ પૈકીના મોટાભાગના યુવક અને યુવતિઓ ડાબા હાથની કમાણીમાં મોઢું નાંખવાનું શરૂ કરી દે છે- ફાયર સ્ટેશન ઓફિસરની નોકરી કરતો આવો એક યુવાન લાંચ લેતી વખતે ACB ના હાથમાં આવી ગયો.
આ મામલો ગોંડલની નગરપાલિકાનો છે. અહીં ફાયર સ્ટેશન ઓફિસર તરીકે નોકરી કરતો સંજય વિરમભાઈ વાસાણી(29) લાંચ લેતાં ઝડપાઈ ગયો. તેણે એકસાથે 3 પેટ્રોલપંપના કામ આ લાંચના બદલામાં કરી આપવાની ગોઠવણ કરી હતી. આ શખ્સ લાંચની રૂ. 50,000ની રકમ લેવા કાર લઈને પહોંચ્યો, ત્યાં જ ACB અધિકારીઓ પ્રગટ થયા અને સંજય વાસાણી અંદર થઈ ગયો.
ગોંડલ તાલુકાની હદમાં 3 પેટ્રોલપંપને ફાયર સર્ટિફિકેટનો આખરી રિપોર્ટ અને પ્રિ-NOC આપવાના થતાં હતાં. આ કામ માટે આ ફાયર સ્ટેશન ઓફિસરે લાંચ માંગી હતી. બાદમાં, ફરિયાદી પાસેથી લાંચના નાણાં મેળવવા તે ભૂણાવા ટોલનાકા પાસે ગયો અને લાંચ સ્વીકાર કરતાં ઝડપાઈ ગયો. આ મામલાની વધુ તપાસ દેવભૂમિ દ્વારકાના ACB PIને સોંપવામાં આવી છે. આ લાંચિયો અધિકારી પાંચ વર્ષ અગાઉ નોકરીમાં જોડાયો અને યુવાન વયે તેની કારકિર્દી પર કલંક લાગી ગયું.





















































