Myamachar.in-અમદાવાદ:
કેન્સર એટલે જિંદગી કેન્સલ, આમ અગાઉ કહેવાતું. જો કે હવે જાગૃતિ અને આધુનિક સારવાર વધવાથી ઘણાં કેન્સર દર્દીઓ મોતથી બચી શકે છે પરંતુ સાથે દુ:ખદ બાબત એ પણ છે કે, કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. કેન્સર મોતના આંકડા પણ નોંધપાત્ર રહે છે. યુવા વર્ગમાં પણ કેન્સર ચિંતાપ્રેરક રીતે ફેલાવો પામી રહ્યું છે. ગુજરાતના આંકડા ગમગીની પેદા કરી રહ્યા છે. ચિંતાઓ વધી રહી છે.
આજે 7 મી નવેમ્બર ‘નેશનલ કેન્સર અવેરનેસ ડે’ છે. આજે જાહેર થયેલાં આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં કેન્સરના કારણે હોસ્પિટલોમાં રોજ નવા 790 દર્દીઓને ‘દાખલ’ કરવા પડી રહ્યા છે. આ ઉપરાંત નિદાન-સારવાર માટે પણ રોજ હજારો દર્દીઓ કેન્સર હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં 2020માં કેન્સરના નવા દર્દીઓની સંખ્યા 69,660 હતી. 2021માં આ આંકડો વધી 71,507 નોંધાયો અને 2022માં આ સંખ્યા વધીને 73,383 થઈ ગઈ. સ્મોકિંગ સારી બાબત નથી, કુટેવ છે એ ખરૂં પણ જે લોકો સ્મોકિંગ નથી કરી રહ્યા એમને પણ આ રોગ લાગુ પડી રહ્યો છે. મહિલાઓમાં પણ કેન્સર મોટા પ્રમાણમાં છે અને યુવા વર્ગમાં પણ આ ભયાનક રોગનો ફેલાવો વધી રહ્યો છે.
હાલની સ્થિતિઓ એ છે કે, રાજ્યમાં દર વર્ષે આશરે 1,40,000 જેટલાં નવા કેન્સર દર્દીઓ નોંધાઈ રહ્યા છે. વિચિત્ર પ્રકારની જિવનશૈલી અને શહેરોમાં વધતું જતું પ્રદૂષણ પણ કેન્સર આપે છે. વર્ષ 2024-25માં રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કુલ 2,88,062 લોકોએ કેન્સરની વિવિધ સારવાર મેળવી. અસંખ્ય દર્દીઓને વિનામૂલ્યે કેમોથેરાપી સહિતની સારવાર આપવામાં આવી રહી છે. નવા ડે-કેર સેન્ટર શરૂ થઈ રહ્યા છે. લોકોમાં જાગૃતિ વધતાં વધુ ને વધુ લોકો વહેલા નિદાન-સારવાર માટે આવી રહ્યા છે. તેથી પણ રાજ્યમાં આ પ્રકારનો ઉહાપોહ વધી ગયો છે.


