Mysamachar.in-બનાસકાંઠા
ગતરાત્રીના રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી જેમાં પાલનપુર-આબુ હાઇવે પર થયેલા એક અકસ્માતમાં ત્રણ પિતરાઈ ભાઈઓનાં નિધન થયા છે. આબુરોડ તરફથી આવતી એક ફોર્ચ્યુનર કારે ડિવાઈડર કૂદીને હાઇવેની સામેની બાજુએ આવી રહેલી કાર અને બાઇકને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં સામેની કારમાં સવાર ત્રણ પિતરાઈ ભાઈઓના મોત થયાનું જાણવા મળે છે, પાલનપુર-આબુ રોડ પર મલાણાના પાટિયા પાસે રાજસ્થાન તરફથી આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જે બાદમાં કાર ડિવાઇડર કૂદીને સામેથી આવી રહેલા એસન્ટ કાર સાથે અથડાઈ હતી.
અકસ્માતમાં એસન્ટ કારમાં સવાર ત્રણ પિતરાઈ ભાઈઓનાં મોત થયા હતા. ત્રણેયના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. મૃતકો ગેરેજમાં કામ કરતા હતા. એક જ પરિવારમાં ત્રણ ત્રણ મોતથી ચૌહાણ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, આ અકસ્માતમાં બે ઘાયલ લોકોને સારવાર માટે પાલનપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં 1) સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ (ઉ.વ. 21), વિપિસિંહ ગણપતસિંહ ચૌહાણ (ઉ.વ.22) અને હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉ.વ.22)નો સમાવેશ થાય છે. ગત રાત્રે થયેલા અકસ્માત બાદ રોડ પર આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.