Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત દેશના દરેક પેટ્રોલપંપ પર પેટ્રોલમાં ઈથેનોલની જે ‘ભેળસેળ’ કરવામાં આવી રહી છે તેને ખુદ સરકારે ‘કાયદેસરતા’ આપી છે. આથી કયાંય સંગઠિત ઉહાપોહ નથી પરંતુ દેશના કરોડો વાહનમાલિકો સરકારથી નારાજ છે. હવે બહાર એ આવ્યું કે, માત્ર વાહનચાલક જ નહીં, પેટ્રોલપંપ માલિકોમાં પણ આ ઈથેનોલને કારણે અકળામણ જોવા મળે છે. તેમના એસોસિએશને મોદીસરકારને પત્ર લખી યોગ્ય સૂચનાઓ આપવા અપીલ કરી છે.
પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવાની સરકારની અમલમાં રહેલી નીતિ લોકોને અનુકૂળ નથી. અગાઉ સરકારે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ મિક્સ કરવા છૂટ આપી હતી. હાલ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિક્સ કરવાની છૂટ છે ! કોઈ પેટ્રોલપંપ માલિક 20 ટકાને બદલે ધારો કે 22-25 ટકા ઈથેનોલ પેટ્રોલમાં મિક્સ કરી દે તો, વાહનચાલકને ખબર પણ ન પડે. કયાંય, કોઈ ચેકિંગની વ્યવસ્થાઓ નથી !
બીજી વાત: ઈથેનોલનો ભાવ પ્રતિ લિટર માત્ર રૂ. 65 છે, આ 20-25 ટકા ‘સસ્તું ઈથેનોલ’ વાહનચાલકને પેટ્રોલના મોંઘાદાટ ભાવે પધરાવી રીતસરની લૂંટ ચલાવવામાં આવી રહી છે. ઈથેનોલ મિક્સ કરેલું પેટ્રોલ ગ્રાહકને ઓછાં ભાવે આપવામાં આવતું નથી. આમ છતાં વાહનચાલકથી માંડીને ચૂંટાયેલા જનપ્રતિનિધિ સુધીના સૌ મૂંગા ! કયાંય, કોઈ વિરોધ નહીં !
અન્ય એક વાત: જો તમારૂં વાહન 2018 પહેલાંનું છે તો આ ઈથેનોલ તમારાં વાહનના એન્જિન માટે ‘ઝેર’ છે. એન્જિનને આ ઈથેનોલ ખલાસ કરી નાંખે છે. કારણ કે, ઈથેનોલમાં ભેજ હોય છે. આ ઉપરાંત ઈથેનોલ તમારાં વાહનની એવરેજ તોડી નાંખે છે, આથી તમે નોંધ લીધી હશે કે પાછલાં 3-4 વર્ષથી તમારો ઈંધણ ખર્ચ વધી ગયો હશે.
હવે પેટ્રોલપંપ માલિકોને પણ તકલીફ શરૂ થઈ. તેમનું એસોસિએશન કહે છે: ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ જે ટાંકામાં રાખવામાં આવે છે, તેમાં ભેજને કારણે, ખાસ કરીને ચોમાસામાં અને દરિયાકિનારાના વિસ્તારોમાં, આ ટાંકામાં પેટ્રોલ અને ઈથેનોલ અલગ પડી જાય છે. ઈથેનોલ પેટ્રોલ કરતાં વજનદાર હોવાથી ટાંકામાં તળિયે બેસી જાય છે, જે વેચી શકાય નહીં, ફેંકી દેવું પડે. લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. (તમે એકેય પેટ્રોલપંપ પર આ રીતે હજારો લિટર ઈથેનોલ ફેંકી દેવામાં આવતું હોય, એવું કયાંય જોયું છે ?!)
જાણકાર સૂત્ર કહે છે: પેટ્રોલપંપ પર ટાંકામાંથી જયારે ઈલેક્ટ્રીક પંપ દ્વારા જથ્થો બહાર ખેંચવામાં આવે છે ત્યારે પ્રથમ નીચેનો જથ્થો ઉપર ખેંચાતો હોય છે, આથી અસંખ્ય વાહનોમાં પુષ્કળ ઈથેનોલ ઠલવાઈ રહ્યું છે…પેટ્રોલના ભાવે. અને, વાહન આથી બગડે એ વધારાનું નુકસાન.
જાણકાર સૂત્ર કહે છે: પેટ્રોલપંપ માલિકોના એસોસિએશન દ્વારા જે પત્ર લખાયો છે એ પત્ર પંપમાલિક, ઓઈલ કંપનીઓ અને સરકાર વચ્ચેની લડાઈ છે. એમાં વાહનચાલકને કશો ફાયદો નથી. ટૂંકી વાત એટલી જ છે કે, ઈથેનોલના નામે વાહનચાલકો બધી જ બાજુથી લૂંટાઈ રહ્યા છે. તમારે જોઈતું હોય તો પણ, ઈથેનોલ વિનાનું પેટ્રોલ પંપ પર વેચાણ કરવામાં આવતું નથી.


