Mysamachar.in-ગાંધીનગર:
જમીન-મિલકત દસ્તાવેજોની નોંધણી સમયે સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા સરકાર વધુ એક ડગલું આગળ વધી છે. ઉલ્લેખનિય છે કે, આ માત્ર ચોરી જ નથી, કાળા નાણાંના સર્જનની પણ એક પ્રોસેસ છે. સરકારે હવે આ બાબતે ગ્રામ્ય વિસ્તારો પર પણ નજર ઠેરવી.
નોંધનીય છે કે, 2 વર્ષ અગાઉ 2023ની સાલમાં સરકારના મહેસૂલ વિભાગે એક ઠરાવ કર્યો હતો. આ ઠરાવમાં એક ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, સ્ટેમ્પ ડ્યૂટી નક્કી કરતી વખતે તલાટીના દાખલાનો આધાર ન લેતાં, એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ એટલે કે જંત્રીના ભાવમાં ફેરફાર કરવા (2023ના) આ ઠરાવનો ઉપયોગ કરવો.
આ અનુસંધાને રાજ્યના નાયબ નોંધણી સર નિરીક્ષક એસ.આર.તાબિયારની સહીથી તમામ સબ રજીસ્ટ્રારને સૂચનાઓ આપવામાં આવી છે કે, રાજ્યના તમામ સબ રજીસ્ટ્રારોએ કોઈ પણ બાબતે તલાટીના દાખલાનો આધાર લઈ દસ્તાવેજ નોંધણી કરવાની થતી નથી.
આ સાથે જ કહેવાયું છે કે, ખેતીની જમીન બિનપિયત છે તે પ્રમાણિત કરવા તલાટી દ્વારા આપવામાં આવતાં દાખલાનો આધાર લઈ શકાશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, આ દાખલાઓને આધારે મિલકતનો બજારભાવ, મિલકતનું આયુષ્ય અને ઘસારો વગેરે બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યાની ચર્ચાઓ છે અને આ સમગ્ર વિષયમાં સરકારને સ્ટેમ્પ ડ્યૂટીની તોતિંગ આવક ગુમાવવી પડી રહી છે.





