Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
મુખ્યમંત્રી રૂપાણી આજે દ્વારકા આવે છે, ત્યારે જ્યા આદિ જગદગુરૂ શંકરાચાર્યજીની મુર્તિ અનાવરણ પ્રસંગ છે, તેની બાજુમાં જ કરોડોના કામોનો રકાસ મુખ્યમંત્રી જોશે ? એ સવાલ દ્વારકાવાસીઓ સહિત યાત્રીકો પુછી રહ્યા છે, પશ્ર્ચિમ ભારતના આ તીર્થક્ષેત્રમા અવિરત વિકાસ કામને સરકારે અગ્રતા આપી છે, અને એક અંદાજ મુજબ છેલ્લા થોડા વર્ષોમા જ ૬૦ કરોડથી વધુ રકમના દ્વારકાનગરીના ખાસ કરીને ગોમતી ઘાટ ,જગત મંદિર તરફના રસ્તા,પગથીયા, ફરવાના સ્થળો વગેરે જગ્યાએ વિકાસ કામ થયા પરંતુ આ કામોમા રૂપીયાની પાયમાલી થયાની ચાડી ખાતા દ્રશ્યો જોવા જેવા છે, અને આજે આ મુદ્દો ફરી સોશ્યલ મીડિયામાં ઉજાગર થઇ રહ્યો છે.
-કલાકો પહેલાજ વિડીયો વાઈરલ થતા ચકચાર..
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દ્વારકા આવે છે, ત્યારે સોસીયલ મીડિયામાં આ કથિત ભ્રષ્ટાચારની પોલ ખોલતા વિડીયો વાઇરલ થયા છે જેથી દ્વારકા જિલ્લા તેમજ જામનગર જિલ્લા સહિત પ્રવાસન અને યાત્રાધામ લગત વિભાગોમા પણ ચકચાર મચી જવા પામી છે
-સી.એમ. નિરીક્ષણ કરે….પ્રબળ માંગ
કરોડોના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર બાબતે સી.એમ. સ્થળ નિરીક્ષણ કરે તેવી માંગ ઉઠી છે કેમકે છેલ્લા વર્ષોમાં ૬૦ કરોડથી વધુ રકમના વિકાસ કામોમાં બેફામ ભ્રષ્ટાચારના ગવાહી પૂરતા ગોમતીઘાટ ના દ્રશ્યો લોકો છેલ્લા એક વર્ષથી લગાતાર જુએ છે, અને સીએમ આજે જે પ્રસંગે સ્થળ પર હાજરી આપશે તેની નજીકમાં જ આ રકાસ છે, માટે એક નજર નાંખે તે સરકારના હિતમા છે
-ભ્રષ્ટાચાર આચર્યો કોને? તપાસ નીમો..નિર્ણાયકતા….સંવેદનશીલતા…ગતિશીલતા…બતાવો પાણીદાર..રૂપાણીસાહેબ..
અમુક યાત્રાધામોમા વિકાસ ,સુશોભન,સુવિધાના કામોનો અબજોનો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકાર્યો હતો રાજ્યભરમા સનસનાટી મચી હતી અને અનેકના તપેલા ચઢી જશે તેવી ચર્ચાઓ થતી હતી જેમા એક જ અધીકારી સામે પગલા લેવાયા હતા તે વખતે દ્વારકાના ગોમતી ઘાટના સુશોભીત પીલર રમકડાની જેમ કે ચેસના પ્યાદાની જેમ પડ્યા હતા કેમકે ફાઉન્ડેશન જ ન હતા તેની ફરિયાદ પણ દાખલ થઇ હતી પરંતુ તેની બાજુ એટલે કે આ પીલર પડી કેમ શકે? તે તપાસ ન થઇ માટે દ્વારકાના આ ભ્રષ્ટાચારની તપાસ થશે કે નહી અને ભ્રષ્ટાચાર થયો છે એ પાકુ હોય ઓખાના શૌચાલય કૌભાંડની જેમ એસીબી મા મોડી મોડી કોઇનો વારો કાઢવો હશે ત્યારે ફરિયાદ થશે કે પછી આમા મામકા પાંડવા બંને ને બચાવી લેવા આંખ આડા કાન થશે? જોકે ચોમેર થી અવાજ ઉઠ્યો છે આ તપાસ કરાવો અને નિર્ણાયકતા….સંવેદનશીલતા….ગતિશીલતા ….પાણીદાર રૂપાણી સાહેબ બતાવે તેવી પ્રબળ માંગ છે નહિ તો કોઇ જાગૃત નાગરિક કે મંડળો કે ગૃપ ન્યાયના દ્વાર જાહેર હિતમા ખખડાવે તેવી શક્યતા નકારી ન શકાય.