Mysamachar.in- સુરત:
હાલ લોકસભા ચૂંટણીઓ દરમિયાન માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશની નજર સુરત લોકસભા બેઠક પર છે. આ બેઠક પર ભાજપાના ઉમેદવાર બિનહરીફ જાહેર કરી દેવામાં આવે એવી શકયતાઓ આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. બપોરના 3 વાગ્યા સુધીમાં મોટી નવાજૂનીની સંભાવનાઓ છે. કેમ કે, અહીં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થઈ ગયું છે. અને, મોટાભાગના હરીફ ઉમેદવારો મેદાન છોડી ભાગી ચૂક્યા છે. હવે માત્ર એક ઉમેદવાર ખડી જાય અથવા તેને ખેરવી નાંખવામાં આવે તો, ભાજપાના ઉમેદવાર બિનહરીફ બની શકે એવો દાવ ગોઠવાઈ ગયો છે અને વિભિષણ કોણ ? તેની ચર્ચાઓ વ્યાપક બની છે. બીજી તરફ કોંગ્રેસની લીગલ ટીમ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું છે. બીજી તરફ અપક્ષ સહિતના આઠ ઉમેદવાર પૈકી સાત ઉમેદવાર ચૂંટણીઓમાંથી હટી ગયા છે. ભાજપાના ઉમેદવારની સામે હાલ માત્ર એક જ ઉમેદવાર છે, જે બીએસપીના પ્યારેલાલ ભારતી છે. તેઓ હાલ ગૂમ હોવાના ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કોઈ પણ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકે એ માટેનો આજે અંતિમ દિવસ છે. અને, એમ પણ કહેવાય છે કે, પ્યારેલાલ પર હાલ પ્રેશર છે. આ દબાણ અંગે હાલ રાજ્ય તથા દેશમાં ચર્ચાઓ છે. પ્યારેલાલ હાલ ભાજપાના ઉમેદવાર કરતાં પણ મોટો હીરો બની ગયા છે.
ભાજપાના ઉમેદવાર મુકેશ દલાલ કહે છે: જે પાર્ટી દેશમાં શાસન કરવાના સપના જૂએ છે, એ પક્ષના સુરતના ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય છે, એ પક્ષ શાસન શું કરી શકે ? સુરતની આ બેઠક હાલ દેશભરમાં ચર્ચાઓનો સૌથી હોટ વિષય બની ગઈ. સર્વત્ર એક જ વાત: મુકેશ દલાલ બિનહરીફ થઈ જશે, ભાજપાને દેશની પ્રથમ બેઠક અહીં ગુજરાતમાં મુકેશ દલાલના રૂપમાં મળી જશે.
બીજી તરફ ગુજરાત કોંગ્રેસ વરાળ કાઢે છે. મામલો વડી અદાલતમાં જશે એવી પણ ચર્ચાઓ છે. રાજકીય નાટક કલાયમેકસ તરફ ભાગી રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યે ધડાકો થશે. કલેક્ટર સૌરભ પારધિ ( જામનગર ના પૂર્વ કલેક્ટર) હાલ દેશભરના મીડિયામાં હીરો છે. કેમ કે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેઓએ નિયમ અનુસાર કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું છે. કહેવાય છે કે, બસપા ઉમેદવાર પ્યારેલાલ પર હાલ ભારે દબાણ છે અને તેઓ ત્રણ વાગ્યા પહેલાં યુદ્ધ અગાઉ જ શહાદત વહોરી લેશે, એ વાત પર જૂગાર પણ શરૂ થયો હોવાની સંભાવનાઓ છે. સુરત ભાજપા માટે સોનાની મૂરત સાબિત થવાની શકયતાઓ હોય, પાટિલ છાવણીમાં ખુશીની છોળો ઉડી રહી છે. તો શું સુરતના મતદારો મતદાન કર્યા વગર જ, પોતાનો જનપ્રતિનિધિ પ્રાપ્ત કરી લેશે ? જો આ પ્રશ્નનો જવાબ હા સાબિત થશે તો સુરતમાં ઈતિહાસ સ્થપાશે.
(તસ્વીર સૌજન્ય:ગુગલ)