Mysamachar.in-સુરત:
રાજ્યમાં રસ્તે રઝળતા પશુનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ક્યારેક શેરી ગલીઓમાં તો ક્યારેક ચોકમાં તો ક્યારેક હાઈવે પર પશુઓનો અસહ્ય ત્રાસ સામે સરકાર લાચાર હોય તેવું લાગી રહ્યું છે, અને આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કે પગલાની દિશા સરકારને મળતી નથી અને પરિણામે નિર્દોષ લોકો આવા પશુઓના રોષનો ભોગ બની રહ્યા છે.એવામાં સુરતના ઓલપાડથી વડોલી રોડ પર રખડતા આખલાનાં કારણે અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ હાઇવે પર અચાનક આખલો આવી સ્વીફ્ટ કાર સાથે અથડાયા બાદ બ્રેઝા કારમાં ટકરાતા કાર હાઇવે પર પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈને ઇજા થવા પામી ન હતી. પરંતુ અકસ્માતમાં આખલાનું મોત નીપજ્યું હતું.
ઓલપાડથી વડોલી જતા સ્ટેટ હાઇવે પર મોડી રાત્રે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર ખાતે રહેતા અને પલસાણા ખાતે નોકરી કરતા પરેશભાઈ પટેલ પોતાની બ્રેઝા કારમાં પલસાણા ગયા હતા. જ્યાંથી રાત્રે નોકરીથી અંકલેશ્વર પરત થતા સમયે ઓલપાડ- વડોલી સ્ટેટ હાઇવે પર બ્રેજા કારની આગળ ચાલતી સ્વીફ્ટ કારમાં એક રખડતો આખલો ઘુસી ગયો હતો. બાદમાં આખલો બ્રેજા કાર સાથે ટકરાતા બ્રેજા કાર હાઇવે પર પલટી ગઈ હતી. કાર ધડાકાભેર પલટી જતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. અને કારમાં સવાર પરેશભાઈને હેમખેમ બહાર કાઢ્યા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈને ઇજા થઇ ન હતી. બે કારમાં ધડાકાભેર અથડાયેલ આખલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.