Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મતદારોની ખાસ સઘન ચકાસણીઓની કામગીરીઓ, SIR ની કામગીરીઓ ચાલી રહી છે. જામનગરમાં આ કામગીરીઓ 15 દિવસથી ચાલી રહી છે. દરમ્યાન, શરૂઆતના 11 દિવસમાં જે કામગીરીઓ થઈ તેના આંકડા જાહેર થયા છે.
ગાંધીનગરથી આંકડા જાહેર થયા છે. આ આંકડા અનુસાર, સમગ્ર રાજ્યમાં 1,42,930 એવા મતદારોના નામો યાદીમાં મળી આવ્યા છે જે હાલ જિવિત નથી. સૌરાષ્ટ્રમાં 30,794 મૃત મતદારોના નામો યાદીમાં હોવાની વિગતો બહાર આવી છે.
આ સાથે જાહેર થયું છે કે, ઘણાં બધાં મતદારો ચકાસણીઓ વખતે ઘર પર હાજર ન હતાં અને અન્ય હજારો મતદારો એવા છે જે અન્ય સ્થળે રહેવા જતાં રહ્યા છે. જામનગર જિલ્લામાં 2,360 મૃત મતદારોના નામ યાદીમાં છે. દ્વારકા જિલ્લામાં 1,271 મૃત મતદારોના નામ યાદીમાં છે.
જામનગર જિલ્લામાં ચકાસણીઓ દરમ્યાન જાહેર થયું કે 368 મતદાર ઘર પર હાજર ન હતાં. દ્વારકા જિલ્લામાં ગેરહાજર મતદારોનો આંકડો 194 છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં 1,819 એવા મતદારોના નામ યાદીમાં છે, જે પોતાના જૂના સરનામાની જગ્યાઓ પર હાલ રહેતાં નથી. આ મતદારો સ્થળાંતરિત થયેલાં છે. દ્વારકા જિલ્લામાં 1,014 મતદારો હાલના એડ્રેસ પરથી સ્થળાંતરિત થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 2002 પછી આ પ્રથમ વખત SIR કામગીરીઓ થઈ રહી છે. આ 23 વર્ષ દરમ્યાન ઘણાં નવા જિલ્લાઓ અને તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે. જેને કારણે હજારો મતદારો એવા છે જેમના નામો જેતે જિલ્લાની મતદાર યાદીમાં નથી. લાંબા સમય બાદ આ કામગીરીઓ થઈ રહી હોય, BLO માટે આ કામગીરીઓ મુશ્કેલીઓથી ભરપૂર હોવાનું ચિત્ર સામે આવ્યું છે.


