Mysamachar.in-ગાંધીનગર:
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી.
આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, તા.27ઓક્ટોબર 2025 ની સ્થિતિએ ગુજરાતમાં 5,08,43,436 મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં 5,08,43,436 મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે, બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી 1,01,04,584 ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મ્સ સત્વરે પહોંચાડી દેવામાં આવશે.
ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરઓને ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે SIR દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયકતા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 08 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરઓને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ મ્યુનિસિપલ કમિશનરઓ દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે.





