Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત પોલીસે એક પહેલ કરી છે. આ પહેલ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વાહનચાલકોને ઉપયોગી નીવડી શકે છે. કોઈ પણ વાહનચાલક મુસાફરી શરૂ કરે એ અગાઉ જ અથવા પ્રવાસ દરમ્યાન, તેને જે રૂટ પર જવાનું છે એ રસ્તા અંગે જરૂરી માહિતીઓ ઉપલબ્ધ થઈ જશે. આથી એ વાહનચાલકની મુસાફરી સરળ અને સલામત બની રહેશે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન મુજબ રાજ્ય પોલીસે આ પહેલ કરી છે. રોડ સેફ્ટી એન્ડ ટ્રાફિક મેનેજમેન્ટ અંગે ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ ‘મેપલ્સ’ (mapmyindia) વચ્ચે સમજૂતી કરાર એટલે કે MoU થયું છે.
આ એપમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ડેવલપ કરવામાં આવી છે. અમુક ખાસ ફીચર અપડેટ કરવામાં આવ્યા છે. આ એપ વાહનચાલક અને નાગરિકોને નેવિગેશન તો આપે જ છે, સાથેસાથે રસ્તાઓ પરના બ્લેક સ્પોટ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ તેમજ રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી પણ આપશે.
વાહનચાલકોને ડાર્ક રસ્તાઓ અંગે અગાઉથી જાણકારીઓ પ્રાપ્ત થઈ જાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં વાહનની સ્પીડ લિમિટ અંગે પણ ચાલકને અપડેટ મળી શકશે. સંભવિત અકસ્માત ટાળી શકવામાં એથી મદદ મળશે.
કોઈ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોય, કોઈ રસ્તા પર સમારકામ ચાલી રહ્યું હોય, કોઈ રસ્તા પર રેલી કે અન્ય કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હોય, વગેરે બાબતો આ એપમાં અપડેટ થશે, જેથી વાહનચાલક વૈકલ્પિક માર્ગ પસંદ કરી શકશે. હાલમાં આ એપમાં ડેટા અપડેશન કામગીરીઓ ચાલી રહી છે. આથી વાહનચાલકને રિયલ ટાઈમ અપડેશન મળી શકશે.


